ઇ-વીમા પોલિસીના નામે રૂા.19 લાખની ઠગાઇ અંગે છ જણની ધરપકડ

મુંબઈ, તા.23 (પીટીઆઇ): મુંબઈ ગુના શાખાની સાઈબર પોલીસે વીમા કંપનીઓના પ્રતિનિધિ અને વીમા નિયામકના કર્મચારી બનીને લોકોને ફોન કરીને તેમની સાથે ઠગાઇ કરનારા ભારતી એકસા ઇન્શ્યોરન્સના બાની સિંહ, વિજય મહેતા અને પીએનબી મેટલાઇફ ઇન્શ્યોરન્સનાં દીપક દુબે, સ્નેહા, પૂજા અને એક આરોપી એમ છ જણની ધરપકડ કરી છે. અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે લોકોને વીમાની રકમ ઉપર સારું વળતર અને વિના વ્યાજે લોન આપવાની લાલચ આપીને રૂપિયા લેતા હતા. પોતે આઇઆરડીએના અધિકૃત અધિકારીઓ હોવાનું જણાવીને આરોપીઓ કેવાયસી દસ્તાવેજોનો દુરુપયોગ કરતા હતા. અૉનલાઇન પોલિસીઓ વેચવામાં આવતી હતી. પાંચ આરોપીઓ વીમા કંપનીના ભૂતપૂર્વ કર્મચારીઓ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ગુના શાખાના અધિકારીએ જણાવ્યું હતું કે ચાર આરોપીઓની ઉત્તર પ્રદેશ અને બે અન્યની હરિયાણા અને નવી દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. 
અધિકારીએ જણાવ્યું હતું કે ત્રીજી માર્ચે સાઇબર પોલીસ સ્ટેશનમાં શખસે ફરિયાદ નોંધાવી હતી કે વીમા કંપનીના કર્મચારીઓએ તેને વીમાની રકમ ઉપર સારું વળતર આપવાની લાલચ આપીને રૂા.19.27 લાખની છેતરપિંડી કરી હતી. અન્ય એક કેસ થાણેમાં નોંધાયો હતો જ્યાં ફરિયાદી પાસે રૂા.18 લાખની ઠગાઇ થઇ હતી. ગુના શાખાએ તપાસ કરીને આખી ટોળકીનો પર્દાફાશ કરી તમામની ધરપકડ કરી હોવાનું જણાવ્યું હતું. આરોપીઓ પાસેથી કેવાયસીના દસ્તાવેજો, પાંચ મોબાઇલ ફોન, નકલી સિમ કાર્ડ જપ્ત કરાયા હતા.
Published on: Wed, 24 Nov 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer