પરમબીર સિંહ સામેનો કેસ મજબૂત કરવાની તક રાજ્ય સરકારે ગુમાવી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 24 : મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનરને તેમની સામેના કેસમાં ધરપકડથી રક્ષણ આપતા સુપ્રીમ કોર્ટના આદેશથી રાજ્ય સરકાર શરમજનક પરિસ્થિતિમાં મુકાઈ છે અને સ્થિતિને વધુ ખરાબ કરતાં એવું બહાર આવ્યું છે કે સર્વોચ્ચ અદાલતમાં પોતાનો કેસ વધુ મજબૂત કરવાની તક સરકારે ગુમાવી છે કારણ કે તેણે સિંહની અપીલના જવાબમાં કોવિએટ દાખલ કરી નથી.
જો સરકારે કોવિએટ દાખલ કરી  હોત તો સર્વોચ્ચ અદાલતે હુકમ પસાર કરતાં પહેલાં સરકારને સુનાવણીની તક પૂરી પાડી હોત. તેને બદલે સર્વોચ્ચ અદાલતે હુકમ પસાર કરી દીધો હતો અને છઠ્ઠી ડિસેમ્બરના આગામી સુનાવણી વખતે પ્રતિસાદ આપવા રાજ્ય સરકારને નોટિસ પાઠવી દીધી હતી. સિંહને ત્યાં સુધી રક્ષણ મળશે અને તેને તપાસમાં જોડાવવાનું પણ જણાવવામાં આવ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ લાપરવાહીની બાબતમાં મંત્રાલય ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી.
ઉદ્ધવ હૉસ્પિટલમાંથી પાછા ફર્યા બાદ સિંહના સસ્પેન્શન અંગે નિર્ણય
પરમબીર સિંહ સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ પાસે જવું જોઇએ. એવા આધાર પર હાઈ કોર્ટે તેમની અરજી રદ્દ કરી હતી. આ હુકમ સામે પરમબીર સિંહે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. દરમિયાન આ મહિનાની શરૂઆતમાં ડાયરેક્ટર જનરલ અૉફ પોલીસ સંજય પાંડેએ મોકલેલા સિંહના સસ્પેન્શન હુકમ અંગે રાજ્ય સરકારે કોઈ કાર્યવાહી કરી નથી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે હૉસ્પિટલમાંથી પાછા આવી ગયા બાદ આ પ્રસ્તાવ પર નિર્ણય લેવામાં આવશે.
ખંડણીના આરોપસર સિંહ અને અન્ય પચીસ પોલીસ કર્મચારીઓના સસ્પેન્શન માટેનો પ્રથમ પ્રસ્તાવ સપ્ટેમ્બરમાં મોકલવામાં આવ્યો હતો આ પ્રસ્તાવ ગૃહ વિભાગે ડીજીના કાર્યાલયને પાછો મોકલ્યો હતો.
એક જ પ્રકારના આરોપો તમામ સામે નહીં હોવાથી ડીજીએ ખાસ વિગતો મંગાવી હતી.
Published on: Thu, 25 Nov 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer