સંઘીય માળખા સાથે ચેડાં અયોગ્ય : મમતા

સંઘીય માળખા સાથે ચેડાં અયોગ્ય : મમતા
મોદી અને દીદીની મુલાકાત
નવી દિલ્હી, તા. 24 : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી પ્રમુખ મમતા બેનરજીએ બુધવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદી સાથે વાતચીત બાદ મમતા બેનરજીએ કહ્યું હતું કે, આ મુલાકાત રાજ્યના અલગ અલગ મુદ્દાને લઈને થઈ છે. પીએમ મોદી સાથેની મુલાકાત દરમિયાન મમતા બેનરજીએ બીએસએફના અધિકાર ક્ષેત્રમાં વધારો કરવાના મુદ્દે પણ વાત કરી હતી. તેમજ સંઘીય માળખા સાથે ચેડા ઠીક નથી તેમ કહ્યું હતું.
પીએમ મોદી સાથેની મુલાકાત બાદ જાણકારી આપતા મમતા બેનરજીએ કહ્યું હતું કે, તેઓ બીએસએફ મુદ્દે ચર્ચા કરી છે. બીએસએફ દુશ્મન નથી અને પોતે તમામ એજન્સીનું સન્માન કરે છે પણ કાયદો વ્યવસ્થા કે જે રાજ્યનો વિષય છે તેમાં ટકરાવ થાય છે. વધુમાં વાતચીત દરમિયાન કહેવામાં આવ્યું હતું કે, સંઘીય માળખાને કારણ વિના છેડવા યોગ્ય નથી. જેથી ચર્ચા કરીને બીએસએફના કાયદાને પરત ખેંચવામાં આવે તેવી માગણી કરી હતી. આ ઉપરાંત મમતા બેનરજીએ ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી સાથે  મુલાકાત કરી હતી. સ્વામીની ગણતરી ભાજપના અસંતુષ્ટ નેતાઓમાં થાય છે. મુલાકાત બાદ સ્વામીને  ટીએમસીમાં જોડાવા સંબંધિત સવાલ પૂછવામાં આવ્યો હતો. જેનો જવાબ આપતા સ્વામીએ કહ્યું હતું કે, તેઓ પહેલાથી જ ટીએમસીમાં જોડાયેલા છે.
Published on: Thu, 25 Nov 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer