જર્મનીમાં ભારતીય કટલરીની નિકાસ અટકી

જર્મનીમાં ભારતીય કટલરીની નિકાસ અટકી
યુરોપમાં કોરોનાએ ફરીથી ઊથલો મારતાં
અમારા પ્રતિનિધિ તરફથી  
મુંબઈ, તા. 25 : વાસણ-કટલરીની નિકાસ આડે અનેક અવરોધો વચ્ચે જર્મનીમાં કોરોનાનો પ્રકોપ વધવાના અહેવાલોથી સ્થાનિક ઉદ્યોગકારો - નિકાસકારોમાં ચિંતા ફેલાઈ છે. એક સ્થાનિક નિકાસકારે કહ્યું કે `દેશના સ્ટેનલેસ સ્ટીલ ઉત્પાદકોએ છેલ્લા એક વર્ષમાં અમારા મૂળ કાચા માલના ભાવમાં 70થી 75 ટકાનો વધારો કર્યો છે. તેને લીધે નિકાસકારોની પડતર વધતાં નવા ઓર્ડરોનું પ્રમાણ આમ પણ ઘટતું જતું હતું. હવે જર્મની અને અન્ય યુરોપીય દેશોમાં કોરોના વધવાથી નિકાસકારોની સમસ્યા વધુ વકરવાની ભીતિસેવાય છે.   
તેમણે જણાવ્યું કે સ્થાનિક બજારમાં નવી ખરીદી સતત ધોવાતી જાય છે. હવે નવા ઊંચા ભાવે નિકાસ માટે વિદેશી ગ્રાહકો સાથે ભાવ તફાવતની સમસ્યા વધી છે. એટલે આગામી મોસમ માટેનાં નવાં કામકાજો અવરોધાઈ રહ્યાં છે. અત્યારે એવી સ્થિતિ છે કે ત્રણ મહિના અગાઉ જે ચીજની નિકાસ થઈ હોય તેનો નવો ઓર્ડર 10-20 ટકા ઊંચા ભાવે વિદેશી ગ્રાહકો આપતા નથી, જ્યારે નીચા ભાવે ઓર્ડર લેવાથી સ્થાનિક ઉત્પાદકને નુકસાન થાય છે. આ સ્થિતિને લીધે અનેક ઉદ્યોજકોનાં આગળનાં પેમેન્ટ પણ અટવાયાં છે, જેને લઈને નિકાસકારોનો વ્યાજખર્ચ વધે છે.'  
જર્મની ખાતે કટલરી નિકાસ કરનાર એક ઉદ્યોજકે જણાવ્યું હતું  કે મોટા મૉલ અને સ્ટોર ધરાવનાર વિદેશી ગ્રાહકોએ નવા ઓર્ડર તદ્દન રોકી દીધા છે. કોરોનાની સ્થિતિનો તાગ મેળવ્યા પછી જ તેઓ હવે નિર્ણય લેશે. પરિણામે અમારાં કામકાજ ઘટી ગયાં છે.  
Published on: Fri, 26 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer