કાંદા પછી ટમેટાં મોંઘાં થયાં, ભાવ હજી વધશે

કાંદા પછી ટમેટાં મોંઘાં થયાં, ભાવ હજી વધશે
હોલસેલ બજારોમાં ટમેટાંની આવક અડધી થઈ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 25 : રોજિંદા જીવનમાં રસોડાંમાં દૈનિક ધોરણે વપરાતાં કાંદાના ભાવ ફરી વધી રહ્યા હોવાની સાથે હવે ટમેટાંની આવક પણ કમોસમી વરસાદ અને ખેડૂતો દ્વારા ગત મોસમમાં ઓછો પાક લેવાના કારણે ઘટી હોવાથી ભાવમાં ભડકો થયો છે. છૂટક બજારમાં ટમેટાંના ભાવ રૂા. 70થી આગળ વધી રૂા. 80 અને રૂા. 100 સુધી પહોંચી જતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે.
ટમેટાંની આવકો ઘટતાં ભાવ ઊંચકાયા છે. રાજ્યમાં કમોસમી વરસાદ થવાથી પાક બગડી જતાં ટમેટાંની આવકો ઘટીને રોજની 10-15 હજાર કેરેટ (પ્રત્યેક 20 કિલો)ની થઈ રહી છે જે બે મહિના અગાઉ 30થી 35 હજાર 
કરેટની હતી.
સ્થાનિક એપીએમસી બજારમાં આવક ઘટતાં કિલોએ જથ્થાબંધ ભાવ રૂા. 50-55 અને રિટેલ રિટેલ ભાવ રૂા. 70-100 આસપાસ છે.
દક્ષિણનાં રાજ્યોમાં પણ કમોસમી વરસાદ થવાની બે દિવસ પહેલાં કેરેટદીઠ જથ્થાબંધ ભાવ વધીને રૂા. 1800 થયા હતા. નાશિક અને સાંગલીથી પણ ટમેટાંનો માલ ઓછો આવે છે. ગુજરાત અને મધ્ય પ્રદેશમાં ટમેટાંની માગ વધતાં અહીં આવક ઓછી થઈ રહી છે.
અત્યારે કોરોનાનો ભય હળવો થવાથી હોટેલ- રેસ્ટોરાંમાં પૂર્ણ ક્ષમતાએ કામકાજ થઈ રહ્યું છે વળી લગનસરાની સિઝન શરૂ થઈ હોવાથી માગ વધી રહી છે અને તે સામે પુરવઠો ઓછો હોવાથી બજાર તેજ થઈ છે અને આ સ્થિતિ હજી બે મહિના સુધી યથાવત્ રહેશે. ત્યારબાદ ભાવ હળવા થવાની ધારણા છે.
વધુમાં આ વર્ષે ચોમાસું વરસાદ મે મહિનામાં શરૂ થયો હોવાથી રાજ્યના ખેડૂતોએ ટમેટાંનું વ્યાપક વાવેતર કરતાં પુષ્કળ માલ બજારમાં આવ્યો. આવકો વધતાં જથ્થાબંધ ભાવ ઘટીને કિલોએ રૂા. બેથી ત્રણ થઈ ગયા. ખેડૂતોને વળતર ન મળતાં સપ્ટેમ્બરમાં તેઓએ વાવેતર સાવ ઓછું ર્ક્યું તો કેટલાક ખેડૂતોએ પાક વળતરપ્રદ ન જણાતાં વાવેતર કાઢી નાખ્યું અને વળતરપ્રદ પાક તરફ વળ્યા હોવાથી આવક ઘટી છે.
માગ સામે પુરવઠો ઓછો છે તેમાં ઈંધણના ભાવ વધારાની પણ ટમેટાંના ભાવ પર અસર થઈ હોવાનું વાશીની એપીએમસીના ટમેટાંના જથ્થાબંધ વેપારીનું કહેવું છે.
Published on: Fri, 26 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer