વાનખેડેના કે તેમના પરિવાર વિરુદ્ધ હરફ સુદ્ધા નહી ઉચ્ચારું

મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિકે હાઈ કોર્ટને ખાતરી આપી
મલિકનો મીડિયા પબ્લિસિટી પાછળ આશય શું છે? પ્રધાન તરીકે આ શોભા આપતું નથી
મુંબઈ, તા. 25 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના પ્રધાન અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષના નેતા નવાબ મલિકે ગુરુવારે હાઈ કોર્ટની ડિવિઝન બૅન્ચને કહ્યું હતું કે નવમી ડિસેમ્બર સુધી હું નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની મુંબઈ અૉફિસના ઝોનલ હેડ સમીર વાનખેડેના પિતા કે તેમના પરિવારજનો સામે કોઈ ટ્વીટ કે જાહેર નિવેદન નહીં કરું. 
સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવ વાનખેડેએ હાઈ કોર્ટના સિંગલ જજના ચુકાદા સામે હાઈ કોર્ટની ડિવિઝન બૅન્ચમાં અપીલ કરી છે. આ અપીલની સુનાવણી નવ ડિસેમ્બરના હવે થશે અને ત્યાં સુધી કોઈ નિવેદનો ન કરવાની નવાબ મલિકે ખાતરી આપી હતી. 
અપીલની સુનાવણી દરમિયાન કોર્ટે નવાબ મલિકને એવો પ્રશ્ન કર્યો હતો કે તમે સમીર વાનખેડેના જાતિ પ્રમાણપત્રનો જે મુદ્દો ઉઠાવ્યો છે એ વિશે તમે કાસ્ટ ક્રુટિનિ કમિટીમાં ફરિયાદ નોંધાવી છે? નથી નોંધાવી હોય તો આ મિડિયા પબ્લિસિટી પાછળનો આશય શું છે અને એક પ્રધાન તરીકે તમને આ શોભા દેતું નથી. 
આ અપીલની સુનાવણી ન્યાયાધીશે એસ.જે.કાથાવાલા અને મિલિન્દ જાધવની ડિવિઝન બૅન્ચ કરી રહી છે. બૅન્ચે જ્યારે એમ કહ્યું કે અમે નવાબ મલિકનું મોઢું બંધ કરતો આદેશ આપવા માગીએ છીએ ત્યારે નવાબ મલિકના વકીલ કાર્લ તંબોલીએ ખાતરી આપી હતી કે મારા અસીલ નવ ડિસેમ્બર સુધી કોઈ જાહેર ટિપ્પણી નહીં કરે. 
કોર્ટે કહ્યું હતું કે નવાબ મલિક દુર્ભાવના સાથે ટ્વીટ અને જાહેર નિવેદનો કરી રહ્યા છે એ દેખીતું લાગે છે. પ્રધાન આવું વર્તન કેમ કરી રહ્યા છે? તેમના આવા વર્તનનું કારણ અમારે જાણવું છે? આમાં દુર્ભાવના સિવાય બીજું કંઈ દેખાતું નથી. મહેરબાની કરીની દુર્ભાવનાનો અર્થ શું થાય એ શબ્દકોષમાં જોઈ લો. નવાબ મલિકાના જમાઈની ધરપકડ બાદ જ આ મીડિયા પબ્લિસિટી થઈ રહી છે. 
સમીર વાનખેડેના પિતાના વકીલ બિરેન્દ્ર શરાફે એવી રજૂઆત કરી હતી કે સિંગલ જજની બૅન્ચે તેમના ઓર્ડરમાં એમ તો કહ્યું છે કે નવાબ મલિકે સમીર વાનખેડેના ધર્મ, સમીર વાનખેડેએ ફરજ દરમિયાન લાંચ લીધી હોવાના નિવેદનો ચકાસણી વગર કરેલા. જજે તેમના ચુકાદામાં એમપણ કહ્યું હતું કે નવાબ મલિકે દુર્ભાવના અને વેરઝેરના ભાવે આ જાહેર ઉચ્ચારણો કરેલા અને આમછતાં જજે કોઈ રાહત અરજદારને આપી નહોતી. પ્રધાને માત્ર અરજદાર અને તેમના દીકરા સામે નહીં, પણ પરિવારના અન્ય સભ્યો સામે પણ નિવેદનો કર્યા હતા. 
જ્ઞાનદેવ વાનખેડેએ કહ્યું હતું કે પ્રધાને મારી દીકરી, મારી મૃત પત્નીને પણ છોડી નહોતી. ગુરુવારે સવારે પણ તેમણે ટ્વીટ કરી છે અને એ તેમણે મારી પત્નીના મુસ્લિમ તરીકે થયેલા અંતિમ સંસ્કાર વિશેની છે. 
કોર્ટરૂમમાં નવાબ મલિકની પુત્રવધૂ પણ હાજર હતી એટલે ન્યાયાધીશે એવો પ્રશ્ન કર્યો હતો કે તે કેસની પક્ષકાર ન હોવાછતાં એ કોર્ટમાં શું કામ હાજર છે? આમાં નવાબ મલિકનો આખો પરિવાર સામેલ છે છે કે શું? એમ ન્યાયાધીશે ઉમેર્યું હતું.
Published on: Fri, 26 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer