દિલ્હી આવું ત્યારે સોનિયાજીને મળવું જરૂરી નથી : મમતા દીદી

તૃણમૂલ કૉંગ્રેસ અને કૉંગ્રેસ વચ્ચેના સંબંધો વધુ વણસ્યા
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 25 : મેઘાલયમાં કૉંગ્રેસના 17 વિધાનસભ્યોમાંથી 12 સભ્યો તૃણમૂલ કૉંગ્રેસમાં જોડાઈ જતાં કૉંગ્રેસને મોટો ફટકો પડયો છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મુકુલ સંગમાનો પણ તેમાં સમાવેશ થાય છે. તેમણે મમતા બેનરજીના શબ્દોનો પુનરુચ્ચાર કરતાં જણાવ્યું હતું કે કૉંગ્રેસ દેશમાં મુખ્ય વિપક્ષની ભૂમિકા ભજવવામાં નિષ્ફળ ગઈ છે. આ સાથે સંસદના બે મુખ્ય વિપક્ષ, કૉંગ્રેસ અને તૃણમૂલ કૉંગ્રેસ વચ્ચેની તિરાડ વધુ પહોળી થઈ છે. વિભાજિત વિપક્ષ, મોદી સરકાર માટે સારી સ્થિતિ હોય તો પણ વિરોધ પક્ષો દ્વારા ઊઠાવવામાં આવેલા મુદ્દાઓ સરકારને મુશ્કેલીમાં મૂકી શકે છે.
તૃણમૂલ કૉંગ્રેસના પ્રમુખ મમતા બેનરજી ત્રણ દિવસથી દિલ્હીમાં હોવા છતાં તેમણે કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને મળવાની તસ્દી ન લેતાં બંને પાર્ટી વચ્ચેની ખાઈ વધુ પહોળી થઈ છે. મમતા બેનરજીએ જણાવ્યું હતું કે દિલ્હીની તેમની આ મુલાકાત દરમિયાન કૉંગ્રેસ પ્રમુખને મળવાનું તેમનું કોઈ આયોજન નથી અને પોતે જ્યારે પણ દિલ્હી આવે ત્યારે સોનિયા ગાંધીને મળવાનું ફરિજયાત નથી.  
તૃણમૂલ કૉંગ્રેસ અને કૉંગ્રેસ વચ્ચેના તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે કૉંગ્રેસના પાર્લામેન્ટરી સ્ટ્રેટેજી ગ્રુપની ગુરુવારે યોજાનારી બેઠક મહત્ત્વની મનાય છે. મહત્ત્વપૂર્ણ મુદાઓ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવા ઉપરાંત કૉંગ્રેસ સમાન વિચારધારા ધરાવતા પક્ષો સાથે વધુ સારું સમન્વય સાધવા અંગે પણ વિચાર કરશે.
વિસ્તારવાદી તૃણમૂલ કૉંગ્રેસ વિરોક્ષ પક્ષોમાં જ પોતાનું બળ દેખાડી રહી હોવાથી કૉંગ્રેસ એક જુદી જ સ્થિતિનો સામનો કરી રહી છે. કૉંગ્રેસની સરખામણીમાં પ્રાદેશિક પાર્ટી તૃણમૂલ કૉંગ્રેસ, સંસદમાં વધુ આક્રમક અને કોઓર્ડિનેટેડ રહી છે.  
બીજી તરફ કૉંગ્રેસ મુખ્ય વિપક્ષ તરીકેની પોતાની ભૂમિકા છોડાવાના મૂડમાં નથી અને વિવિધ મુદ્દે સરકાર પર હુમલા કરવા ઉત્સુક રહેશે, જેમાં મોંઘવારીના મુદ્દાનો પણ સમાવેશ થાય છે. કૉંગ્રેસે આ મુદ્દે મેગા રેલીનું પણ આયોજન ર્ક્યું છે. બેઠકમાં કૃષિ કાયદાઓ રદ કરવા અંગે અને એ સંબંધિત માગણીઓ વિશે પણ ચર્ચા કરવામાં આવશે. રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે ભારત-ચીન સરહદ સ્થિતિ અને અફઘાનિસ્તાન પણ અજેન્ડા પર હશે. 
Published on: Fri, 26 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer