મહારાષ્ટ્રમાં એક ડિસેમ્બરથી પ્રાથમિક શાળા ફરી શરૂ થશે

મહારાષ્ટ્રમાં એક ડિસેમ્બરથી પ્રાથમિક શાળા ફરી શરૂ થશે
વિદ્યાર્થીઓને સ્કૂલ બસ નહીં મળે
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 25 : મહારાષ્ટ્રના પ્રધાનમંડળે ગુરુવારે ગ્રામીણ વિસ્તારોમાં એકથી ચાર ધોર સુધીના વર્ગો અને શહેરી વિસ્તારોમાં એકથી સાત ધોરણ સુધીના વર્ગો એક ડિસેમ્બરથી ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. માર્ચ 2020મા કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી પ્રાથમિક શાળાના વર્ગો બંધ છે. 
રાજ્યના શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે એક નિવેદનમાં કહ્યું હતું કે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને બાળતજજ્ઞો વિશેના ટાસ્ક ફોર્સ સાથે ચર્ચા કર્યા બાદ ઉક્ત વર્ગો ફરી શરૂ કરવા વિશેનો નિર્ણય લેવાયો છે. આ બાળકો માટે ગાઈડલાઈન્સ પણ બાળતજજ્ઞો વિશેના ટાસ્ક ફોર્સ સાથે મસલત કરીને બહાર પાડવામાં આવશે. 
કોરોનાની ત્રીજી લહેરની સંભાવના હતી એ સમયે બાળતજજ્ઞો વિશેના ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી. 
ચાર અૉક્ટોબરે ગ્રામીણ વિસ્તારમાં પાંચથી બાર ધોરણના વર્ગો અને શહેરી વિસ્તારમાં આઠથી બાર ધોરણના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્રમાં પહેલી ડિસેમ્બરથી શાળાઓ ખૂલશે, પરંતુ તેઓને સ્કૂલબસ ઉપલબ્ધ નહીં થાય. તેથી તેઓને અગવડ સહન કરવી પડી શકે છે. સ્કૂલબસ ઓનર્સ એસોસિયેશનના પ્રમુખ અનિલ ગર્ગે જણાવ્યું હતું કે પહેલી ડિસેમ્બરથી અમે વિદ્યાર્થીઓને સ્કૂલબસ સેવા પૂરી પાડવા અસમર્થ છીએ. મહારાષ્ટ્ર સરકાર તરફથી રોડ ટૅક્સમાં જાહેર કરવામાં આવેલી રાહત હજી સુધી આપવામાં આવી નથી. ઉપરાંત બસસેવા શરૂ કરતા પહેલા શાળાએ બસ અૉપરેટરો સાથે કરાર કરવો જરૂરી છે એમ ગર્ગે ઉમેર્યું હતું.
Published on: Fri, 26 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer