બિસ્કિટ કિંગ - રાજન પિલ્લૈના જીવન પરથી વૅબ સીરિઝ

બિસ્કિટ કિંગ - રાજન પિલ્લૈના જીવન પરથી વૅબ સીરિઝ
મલયાલમ ફિલ્મોદ્યોગના સુપરસ્ટાર પૃથ્વીરાજ સુકુમારને 2002માં અભિનેતા તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી અને મોહનલાલા અભિનિત  લ્યુસીફરથી તે દિગ્દર્શક બન્યો હતો. 2019માં રજૂ થયેલી લ્યુસીફરને બૉક્સ અૉફિસ પર જબરદસ્ત સફળતા મળી હતી. હવે પૃથ્વીરાજે હિન્દી વૅબ સીરિઝ દિગ્દર્શિત કરવાનો નિર્ણય કર્યો છે જે બિસ્કિટ કિંગ- રાજન પિલ્લૈના જીવન પર આધારિત હશે. આ સીરિઝનું ફર્સ્ટ પૉસ્ટર બહાર પાડવા સાથે પૃથ્વીરાજે થેની જાહેરાત કરી હતી. તેણે લખ્યું હતું કે, અમે લોકોને પ્રેરણા મળે એવી નીડર વાર્તા દર્શાવવામાં માનીએ છીએ. અમારો લેટેસ્ટ પ્રૉજેકટ હિન્દી વૅબ સીરિઝનો છે જે નેશનલ એવૉર્ડ વિજેતા બિસ્કિટ કિંગ- રાજન પિલ્લૈના જીવન પર આધારિત છે. 70'ના દાયકાના મધ્યમાં સિંગાપોરમાં સ્થાયી થયેલા રાજન નેબિસ્કો, હન્ટલી ઍન્ડ પાલ્મેર, બ્રિટાનિયા જેવી બિસ્કિટ કંપનીના સંચાલક હતા. 1993માં સિંગાપોરના કમર્શિયલ અફેર્સ વિભાગે તેમની તપાસ કરી હતી અને 1995માં તેને ભારતમાં જેલની સજા કરવામાં આવી અને બાદમાં તબીબી સારવારની રાજ જોતાં જ તેનું મૃત્યુ થયું હતું. હાલમાં આ સીરિઝનું પ્રી-પ્રૉડકશન કામ ચાલે છે અને આવતા વર્ષના મધ્યમાં શૂટિંગ શરૂ થશે.
Published on: Thu, 02 Dec 2021

© 2022 Saurashtra Trust