અર્શદીપ અને વૈંકટેશ અય્યરને જોરદાર ફાયદો

અર્શદીપ અને વૈંકટેશ અય્યરને જોરદાર ફાયદો
નવી દિલ્હી, તા.1: આઇપીએલ-2022ની સિઝનના રીટેન ખેલાડીઓની સૂચિ જાહેર થઈ ચૂકી છે. જેમાં બે યુવા ખેલાડી વૈંકટેશ અય્યર અને અર્શદીપ સિંઘને જોરદાર ફાયદો થયો છે. અર્શદીપ અનકેપ્ડ ખેલાડી છે જ્યારે વૈંકટેશ તાજેતરમાં જ ટીમ ઇન્ડિયા તરફથી ટી-20 ઇન્ટરનેશનલમાં ડેબ્યૂ કરી ચૂક્યો છે. અર્શદીપને પંજાબની ટીમે 2019માં ફક્ત 20 લાખ રૂપિયામાં જ ખરીદ કર્યો હતો. તે મીડિયમ પેસ બોલર છે. પહેલી સિઝનમાં તેને ફક્ત 3 મેચ રમવાની તક મળી હતી. જેમાં તેણે 3 વિકેટ લીધી હતી. 2020માં તેને પંજાબે 8 મેચમાં તક આપી હતી અને 9 વિકેટ લીધી હતી. 2021માં અર્શદીપે 12 મેચમાં 18 વિકેટ લઇને શાનદાર દેખાવ કર્યો હતો. જેનું ઇનામ તેને મળ્યું છે. પંજાબની ટીમે અર્શદીપને 4 કરોડ રૂપિયામાં રીટેન કર્યો છે જ્યારે વૈંકટશ અય્યરને કોલકતા નાઇટ રાઈડર્સે 2021ની સિઝનમાં 40 લાખમાં ખરીદ કર્યો હતો. બાદમાં તેણે યુએઇમાં રમાયેલા આઇપીએલ-14ની સિઝનના બીજા ભાગમાં જબરદસ્ત ઓલરાઉન્ડ દેખાવ કરીને સીધી જ ટીમ ઇન્ડિયામાં પણ એન્ટ્રી મેળવી હતી. 
હવે કેકેઆરે શુભમન ગિલ જેવા પ્રતિભાશાળી બેટધરને નજરઅંદાજ કરીને વૈંકટેશ અય્યરને 8 કરોડમાં રીટેન કરવાનો નિર્ણય લીધો છે.
Published on: Thu, 02 Dec 2021

© 2022 Saurashtra Trust