જાડેજાને જૅકપોટ : વિલિયમ્સનને લોટરી : કોહલી-ધોનીની સેલેરી ઘટી

જાડેજાને જૅકપોટ : વિલિયમ્સનને લોટરી : કોહલી-ધોનીની સેલેરી ઘટી
આઇપીએલના સૌથી મોંઘા ખેલાડી રવીન્દ્ર, રોહિત અને ઋષભને 16-16 કરોડના કરાર: આઠ ફ્રૅંચાઇઝીએ કુલ 27 ખેલાડી રીટેન કરીને 269 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યોં : 4 અનકેપ્ડ ખેલાડી માલામાલ થયા
નવી દિલ્હી, તા.1: આઇપીએલની જૂની 8 ફ્રેંચાઇઝીના રીટેન ખેલાડીઓની આખરી સૂચિ જાહેર થઇ ચૂકી છે. 8 ટીમે કુલ 27 ખેલાડીની જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. જે માટે તમામ ફ્રેંચાઇઝીએ મળીને કુલ 269 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યોં છે. આ 27 ખેલાડીમાં 19 ભારતીય છે. જેમાં ચાર અનકેપ્ડ છે અને આઠ વિદેશી છે. ચેન્નાઇ સુપર કિંગ્સ, મુંબઇ ઇન્ડિયન્સ, કોલકતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સે 4-4 ખેલાડી રીટેન કર્યાં છે. પંજાબ કિંગ્સે સૌથી ઓછા બે ખેલાડી રીટેન કર્યાં છે. રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદે 3-3 ખેલાડીને 2022ની સિઝન માટે રીટેન કરવાનો નિર્ણય લીધો છે. 
રીટેન ખેલાડીઓની સત્તાવાર યાદી સામે આવ્યા બાદ સૌથી મોંઘા ત્રણ ખેલાડી તરીકે રોહિત શર્મા, રવીન્દ્ર જાડેજા અને ઋષભ પંત છે. આ ત્રણેય તેમની ટીમના એક નંબરના રીટેન ખેલાડી છે અને તેમને આ માટે 16-16 કરોડ રૂપિયાનો કરાર મળ્યો છે. સૌરાષ્ટ્રના ખેલાડી રવીન્દ્ર હવે આઇપીએલનો સૌથી મોંઘા ખેલાડી બની ગયો છે. રવીન્દ્ર જાડેજાને ગત સિઝનમાં સીએસકેએ 7 કરોડ ચૂકવ્યા હતા. હવે 16 કરોડ ચૂકવશે. રીટેન કરાયા બાદ પાછલા વર્ષની તુલનામાં એમએસ ધોની, વિરાટ કોહલી, ગ્લેન મેકસવેલ અને સુનિલ નારાયણ જેવી ખેલાડીની સેલેરી ઘટી છે. ધોનીને 2021માં 15 કરોડ રૂપિયા મળ્યા હતા. આ વખતે તેની સેલેરી 3 કરોડ ઘટી છે. કોહલીને બે કરોડનું નુકસાન થયું છે. 2021માં તેને આરસીબીએ 17 કરોડ ચૂકવ્યા હતા. હવે નવી સિઝનમાં 15 કરોડ ચૂકવશે. 
નવોદિત વૈંકટેશ અય્યરને જબરદસ્ત ફાયદો થયો છે. કેકેઆરે દ્રારા તેને 8 કરોડમાં રીટેન કરાયો છે. ગત સિઝનમાં તેને 40 લાખ મળ્યા હતા. જયારે મોઇન અલીને 1 કરોડનો ફાયદો થયો છે. કેકેઆરના વરૂણ ચક્રવર્તીને પણ જોરદાર ફાયદો થયો છે. ગત સિઝનમાં 4 કરોડ સામે આ વખતે તે 8 કરોડમાં રીટેન કરાયો છે.
કેન વિલિયમ્સનને એક સાથે 11 કરોડનો બમ્પર ફાયદો થયો છે. 2021ની સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદે આ કિવિ ખેલાડી માટે 3 કરોડનો ખર્ચ કર્યોં હતો. આ વખતે 14 કરોડમાં રીટેન કર્યોં છે. જમ્મૂ-કાશ્મીરના અબ્દુલ સમદ અને ઉમરાન મલિકને 2021માં 20-20 લાખ મળ્યા હતા. આ વખતે સનરાઇઝર્સે 4-4 કરોડ રૂપિયામાં રીટેન કરીને તેમની ચાંદી કરી દીધી છે.
રીટેન નહીં થનારા મોટાં નામ 
ચેન્નાઇ: ફાક ડૂ પ્લેસિસ, ડ્વેન બ્રાવો, સુરેશ રૈના, દીપક ચહર. દિલ્હી: શ્રેયસ અય્યર, આવેશ ખાન, આર. અશ્વિન, કાગિસો રબાડા. કોલકતા : ઇયોન મોર્ગન, શુભમન ગિલ, દિનેશ કાર્તિક, લોકી ફરગ્યૂસન. મુંબઇ: હાર્દિક પંડયા, કુણાલ પંડયા, ઇશાન કિશન, ટ્રેંટ બોલ્ટ, ડિ'કોક, રાહુલ ચહર. પંજાબ: કેએલ રાહુલ, રવિ બિશ્નોઇ, ક્રિસ ગેલ, નિકોલસ પૂરન. રાજસ્થાન : બેન સ્ટોકસ, જોફ્રા આર્ચર, રાહુલ તેવતિયા. બેંગ્લોર: યજુર્વેન્દ્ર ચહલ, હર્ષલ પટેલ, દેવદત્ત પડીકકલ. હૈદરાબાદ : ડેવિડ વોર્નર, ભુવનેશ્વર કુમાર, રાશિદ ખાન, જોની બેયરસ્ટો
રીટેન ખેલાડી અને કરારની રકમ
ચેન્નાઇ: રવીન્દ્ર જાડેજા (16 કરોડ), એમએસ ધોની (12 કરોડ), મોઇન અલી (8 કરોડ), ઋતુરાજ ગાયકવાડ (6 કરોડ). કોલકતા : આંદ્રે રસેલ (12 કરોડ, ફ્રેંચાઇઝીના પર્સમાંથી કપાશે 16 કરોડ), વરૂણ ચક્રવર્તી (8 કરોડ, ફ્રેંચાઇઝીના પર્સમાંથી કપાશે 12 કરોડ), વૈંકટેશ અય્યર (8 કરોડ), સુનિલ નારાયણ (6 કરોડ). હૈદરાબાદ: કેન વિલિયમ્સન (14 કરોડ), અબ્દુલ સામદ (4 કરોડ), ઉમરાન મલિક (4 કરોડ). મુંબઇ : રોહિત શર્મા (16 કરોડ), જસપ્રિત બુમરાહ (14 કરોડ), સૂર્યકુમાર યાદવ (8 કરોડ), કિરોન પોલાર્ડ (6 કરોડ). બેંગ્લોર : વિરાટ કોહલી (15 કરોડ), ગ્લેન મેકસવેલ (11 કરોડ), મોહમ્મદ સિરાઝ (7 કરોડ). દિલ્હી: ઋષભ પંત (16 કરોડ), અક્ષર પટેલ (9 કરોડ, ફ્રેંચાઇઝીના પર્સમાંથી કપાશે 12 કરોડ), પૃથ્વી શો (7.5 કરોડ, પર્સમાંથી કપાશે 8 કરોડ), ઓનરિક નોત્ઝે (6.5 કરોડ). રાજસ્થાન : સંજૂ સેમસન (14 કરોડ), જોસ બટલર (10 કરોડ), યશસ્વિ જયસ્વાલ (4 કરોડ). પંજાબ : મયંક અગ્રવાલ (12 કરોડ, ફ્રેંચાઇઝીના પર્સમાંથી કપાશે 14 કરોડ), અર્શદિપ સિંઘ (4 કરોડ).
Published on: Thu, 02 Dec 2021

© 2022 Saurashtra Trust