રિલાયન્સ કૅપિટલ ભલે ખાડે ગઇ; અનિલ અંબાણીનો વાળ વાંકો થયો નથી

રિલાયન્સ કૅપિટલ ભલે ખાડે ગઇ; અનિલ અંબાણીનો વાળ વાંકો થયો નથી
નાના અને રિટેલ રોકાણકારોને સૌથી વધુ નુકસાન  
મુંબઇ, તા. 1 : રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઇ)એ અનિલ અંબાણી હસ્તક રિલાયન્સ કેપિટલના બોર્ડને બરખાસ્ત કરવાના લીધેલા નિર્ણયના કારણે સૌથી વધારે નુકસાન સહન કરવાનું રિટેલ રોકાણકારોના ભાગે આવ્યું છે જ્યારે અનિલ અંબાણીએ ડિસેમ્બર 2018થી જ પોતાનો પ્રમોટર હિસ્સો બાવન ટકાથી ઘટાડીને માર્ચ 2020 સુધીમાં માત્ર બે ટકા જેટલો કરી નાંખતાં તેમને કોઇ વિશેષ આર્થિક નુકસાન સહન કરવું પડયું નથી. 
પ્રમોટરો તેમના હિસ્સાના શેર્સ વેચી રહ્યા હતા ત્યારે રિટેલ રોકાણકારો તેમાં ખરીદી કરી રહ્યા હતા. બીએસઇના આંકડા અનુસાર અનિલ અંબાણી અને તેમના પરિવારના સભ્યો પાસે આ નાદારીના આરે આવી ગયેલી કંપનીના 30 સપ્ટેમ્બર 2021ના રોજ માત્ર 1.51ટકા શેર્સ હતા જ્યારે પબ્લિક શેર હોલ્ડર્સ  પાસે 97.85 ટકા શેર્સ હતા. તેમાં રૂ. બે લાખ કરતાં વધારે શેર કેપિટલ ધરાવતા શેર ધારકોની સંખ્યા 57.53 ટકા છે. 
બીજી તરફ વિદેશી રોકાણકાર સંસ્થાઓ (એફપીઆઇ)એ પણ 30 જુન 2019થી 30 સપ્ટેમ્બર 2021 દરમિયાન તેમનો હિસ્સો 22.74 ટકાથી ઘટાડીને માત્ર 0.43 ટકા કર્યો હતો. 
એક તરફ પ્રમોટર અને એફપીઆઇ દ્વારા રિલાયન્સ કેપિટલમાં સતત હિસ્સો ઘટી રહ્યો હતો ત્યારે આરબીઆઇ અને માર્કેટ નિયામક સેબીએ શા માટે કોઇ પગલાં લીધા નહીં એવો પ્રશ્ન નાના- રિટેલ રોકાણકારો પૂછી રહ્યા છે.
દરમિયાન, આરબીઆઇએ રિલાયન્સ કેપિટલના એડમિનિસ્ટ્રેટરને સહાયભૂત થવા માટે ત્રણ સભ્યોની એક સલાહકાર સમિતીની રચના કરી છે. 
Published on: Thu, 02 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer