બધા પ્રાદેશિક પક્ષો એક થાય તો ભાજપનો પરાભવ શક્ય : મમતા

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 1 : ભારતને મેન પાવર (માનવબળ) ગમે છે પણ મસલ પાવર (બાવડાનુ બળ) પસંદ નથી. આપણે અલોકતાંત્રિક પક્ષનો સામનો કરી રહ્યા છીએ. જો આપણે એકમેકની સાથે રહેશું તો ચોક્કસ જીતશું. બધા પ્રાદેશિક પક્ષો સાથે આવે તો ભાજપનો પરાભવ કરવાનું સરળ બનશે એમ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કૉંગ્રેસનાં વડા મમતા બેનરજીએ જણાવ્યું છે.
મુંબઈની મુલાકાતે આવેલા મમતા બેનરજીએ આજે નરીમાન પોઇન્ટસ્થિત યશવંતરાવ ચવ્હાણ સભાગૃહ ખાતે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સાથે મમતા બેનરજીએ સંવાદ સાધ્યો હતો. તે સમયે તેમણે દેશમાં ભાજપવિરોધી મોરચો રચવાના સંકેત આપ્યા હતા. આ ચર્ચા સમયે અભિનેતા અને રાજકારણી શત્રુઘ્ન સિંહા, ફિલ્મ દિગ્દર્શક મહેશ ભટ્ટ, ગાયિકા સ્વરા ભાસ્કર, મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધી, રાષ્ટ્રવાદીના નેતા વિદ્યા ચવ્હાણ, મેધા પાટકર અને મુકુલ રોહતગી ઉપસ્થિત રહ્યા હતા. ભાષણની શરૂઆતમાં મમતા બેનરજીએ મરાઠી ભાષામાં ઉપસ્થિતોને `માઝં વિનમ્ર અભિવાદન આણિ શુભેચ્છા' એમ કહ્યું હતું તે અંગે ઉપસ્થિતોએ તાળીઓ પાડીને તેમને વધાવી લીધા હતા. મમતા બેનરજીએ કવિવર્ય રવીન્દ્રનાથ ટાગોર અને છત્રપતિ શિવાજી મહારાજનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, મુંબઈ દેશની આર્થિક રાજધાની અને સંસ્કૃતિનું કેન્દ્ર છે. મહારાષ્ટ્ર અને પ. બંગાળ વચ્ચે સેતુ છે. મહારાષ્ટ્ર અને બંગાળનો સંબંધ સારો છે. મને ભાષણ આપવા કરતાં તમારી વાત સાંભળવાનું વધારે ગમશે, એમ બેનરજીએ ઉમેર્યું હતું.
મમતા બેનરજીએ પ. બંગાળ સરકારની યોજના અને કામો વિશે માહિતી પણ આપી હતી.
Published on: Thu, 02 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer