ગુજરાતીઓનાં સમર્થન માટે કૉંગ્રેસ ગુજરાતના નેતાઓને મુંબઈ બોલાવશે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 1: લોકસભાની 2014ની ચૂંટણીથી ભાજપની પડખે રહેલા શહેરના ગુજરાતીઓને પોતાની તરફ આકર્ષવા અને ટેકો મેળવવા કૉંગ્રેસના મુંબઈ એકમે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં ગુજરાતી કોમને સંબોધવા પક્ષના ગુજરાતના નેતાઓનો સંપર્ક સાધવાનો નિર્ણય કર્યો છે.
જ્યાં ગુજરાતીઓની વસતિ વધારે છે એવા શહેરના જુદા જુદા વિસ્તારોમાં અમે આ કોમના મેળાવડા યોજશું. અમે તેમનો સંપર્ક કરવા માંગીએ છીએ. તેઓ દાયકાઓથી અમારી સાથે રહ્યાં છે. હવે તેમને પાછા અમારી તરફ લાવવાનો સમય પાકી ગયો છે' એમ મુંબઈ કૉંગ્રેસના ગુજરાતી સેલના પ્રમુખ મેહુલ વોરાએ જણાવ્યું હતું.
પક્ષે આવા એક કાર્યક્રમનું ઘાટકોપર ખાતે આયોજન કર્યું હતું. જેમાં ગુજરાત કૉંગ્રેસના કાર્યવાહક પ્રમુખ હાર્દિક પટેલ સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં મુંબઈ કૉંગ્રેસના પ્રમુખ ભાઈ જગતાપ અને કાર્યવાહક પ્રમુખ ચરણસિંઘ સપરા હાજર રહ્યાં હતા.
આવા જ કાર્યક્રમો વિલેપાર્લે, ગોરેગાંવ અને બોરીવલી ખાતે યોજવામાં આવશે. ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધનાણી આ સભાઓને સંબોધશે. આવતા મહિને આ સભાઓ યોજાશે.
મુંબઈના ઘાટકોપર, મુલુંડ, વિલેપાર્લે, મલાડ, કાંદીવલી, બોરીવલી અને ગોરેગાંવમાં ગુજરાતીઓની સારી અવી વસતિ છે અને તેમના મતથી 40 થી 45 વૉર્ડસના મતદાનમાં અસર થઈ શકે છે.
Published on: Thu, 02 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer