આરટીઓની સૂચના વૅક્સિન લેનારાંઓને જ રિક્ષા-ટૅક્સીમાં પ્રવાસની પરવાનગી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 1 :  કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટને લીધે પ્રતિબંધાત્મક પગલાં તરીકે જાહેર પરિવહન વ્યવસ્થા સાથે જ રિક્ષા-ટૅક્સી પ્રવાસ માટે પણ વૅક્સિનેશનનો નિયમ લાગું કરવાનું આયોજન છે. આ સંદર્ભે ટ્રાફિક કમિશનર કાર્યાલય દ્વારા રાજ્યના તમામ આરટીઓને સૂચના આપવામાં આવી છે અને એકાદ-બે દિવસમાં એની અમલ બજાવણી શરૂ થવાની શક્યતા છે.
રાજ્ય સરકારે વૅક્સિનના બંને ડોઝ લેનારાને જ જાહેર પરિવહન સેવાના વાહનોમાં પ્રવાસ કરવાની છૂટ આપવાનો નિર્ણય તાજેતરમાં લીધો છે. `યુનિવર્સલ ટ્રાવેલ પાસ' અથવા વૅક્સિનેશન સર્ટિફિકેટ હશે તો જ પ્રવાસ કરી શકાશે. આ મુજબની સૂચના `બેસ્ટ' પ્રશાસને તમામ ડેપો અને તેના મેનેજરને આપી છે. `બેસ્ટ' દ્વારા એ મુજબનું આયોજન થઈ રહ્યું છે અને ડ્રાઈવર-કંડક્ટરને એ સંદર્ભે સૂચના પણ આપવામાં આવી રહી છે.
હવે આ નિયમની અમલબજાવણી રિક્ષા અને ટૅક્સી માટે પણ થશે. રાજ્યના તમામ આરટીઓને આ નવી નિયમાવલીની માહિતી આપવા સાથે  તેનું ઉલ્લંઘન કરનારાઓ પર કાર્યવાહી કરવાનો નિર્દેશ ટ્રાફિક કમિશનર કાર્યાલયે આપ્યો છે. આરટીઓની ફ્લાઈંગ સ્કવૉડ દ્વારા રિક્ષા-ટૅક્સીની તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે. ફ્લાઈંગ સ્કવૉડ માટે મનુષ્યબળ, એની અમલબજાવણી, કાર્યવાહી કેવી રીતે કરવી વગેરે અંગે ચર્ચા થયા બાદ બે દિવસમાં એની અમલબજાવણી થશે એવું અધિકારીઓએ જણાવ્યું હતું. 
યુનિવર્સલ ટ્રાવેલ પાસ અથવા વૅક્સિનેશન સર્ટિફિકેટ નહીં ધરાવતા પ્રવાસી સાથે ડ્રાઈવર પર પણ કાર્યવાહી કરવામાં આવશે. દંડ તરીકે 500 રૂપિયા અથવા એથી વધુ રકમ ચૂકવવી પડશે. દંડાત્મક કાર્યવાહીનો અધિકાર પાલિકા અને પોલીસને હશે. આથી ફ્લાઈંગ સ્કવૉડની કાર્યવાહી બાદ સંબંધિત યંત્રણાનો સંપર્ક સાધવામાં આવશે. આ માટે પોલીસ, ટ્રાફિક પોલીસ, પાલિકાની મદદ લેવામાં આવશે. ફ્લાઈંગ સ્કવૉડ દ્વારા ખાનગી પ્રવાસી બસોની પણ તપાસ કરવામાં આવશે.
Published on: Thu, 02 Dec 2021

© 2022 Saurashtra Trust