મુંબઈમાં કમોસમી વરસાદને કારણે ઉષ્ણતામાનમાં નવ ડિગ્રીનો ઘટાડો

બાર કલાકમાં કોલાબામાં 43.02 મિમી. અને સાંતાક્રૂઝમાં 41.60 મિ.મી. વરસાદ
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 1 : દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં રચાયેલા હળવા દબાણના વાતાવરણને કારણે મુંબઈ અને એની આસપાસના વિસ્તારોમાં તથા ઉત્તર મહારાષ્ટ્રમાં બુધવારે આખો દિવસ વરસાદ પડ્યો હતો અને આને કારણે મુંબઈનાં તાપમાનમાં લગભગ નવ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો.આવતી કાલે ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડશે. તેમાં કેટલાંક સ્થળોએ ભારે ઝાપટાં પડશે એવી આગાહી વેધશાળાએ કરી છે.
વેધશાળાએ કહ્યું હતું મુંબઈમાં નવેમ્બર મહિનામાં કુલ 30.1 મિલિમિટર (એક ઈંચ કરતા વધુ) વરસાદ પડ્યો હતો. 30.1 મિલિમિટરમાંથી 24.7 મીમી વરસાદ તો 21-22 નવેમ્બરે પડ્યો હતો. છેલ્લા દસ વર્ષમાં નવેમ્બર મહિનામાં બીજીવાર આટલો વરસાદ થયો છે. નવેમ્બર 2019માં 109.3 મીમી (ચાર ઈંચ કરતા વધુ). બાકી નવેમ્બરમાં પાંચ મીમી જેટલો જ વરસાદ પડતો હોય છે.     
બુધવારના કમોસમી વરસાદને કરાણે મુંબઈના તાપમાનમાં લગભગ નવ ડિગ્રીનો ઘટાડો થયો હતો. વાતાવરણમાં ઠંડીની લહેરકી આવી ગઈ હતી. 
વેધશાળાએ કહ્યું હતું કે રાત્રે 8.30 સુધીના બાર કલાકના ગાળામાં સુધી કોલાબા ખાતે 43.02 મીમી વરસાદની નોંધ થઈ હતી, જ્યારે સાંતાકૃઝ ખાતે 41.60 મીમી વરસાદ પડ્યો હતો. 
બુધવાર બપોરે બેથી સાંજે છ વચ્ચેના ગાળામાં સૌથી વધુ વરસાદ વિક્રોલીમાં 21 મીમી જેટલો નોંધાયો હતો. દાદર અને દહિસરના અૉટોમેટિક વેધર સ્ટેશનમાં 21 મીમી કમોસમી વરસાદ નોંધાયો હતો.
Published on: Thu, 02 Dec 2021

© 2022 Saurashtra Trust