કોરોના કાળમાં 11,716 વેપારીઓએ આત્મહત્યા કરી

કોરોના કાળમાં 11,716 વેપારીઓએ આત્મહત્યા કરી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 1 : મહારાષ્ટ્રમાં છેલ્લાં દાયકામાં હજારો ખેડૂતોની આત્મહત્યાની ચર્ચા દેશમાં થતી હોય છે. જોકે, કોરોના કાળમાં લૉકડાઉનના કારણે વેપારધંધા બંધ રહેતા વર્ષ 2020માં 11,716 વેપારીઓએ આત્મહત્યા કરી છે.
કેન્દ્ર સરકારે મંગળવારે સંસદમાં માહિતી આપી હતી કે ગૃહખાતાના એન.સી.આર.બી.ના ભારતમાં અકસ્માત અને આત્મહત્યાના અહેવાલ અનુસાર વર્ષ 2019માં વ્યાપાર સાથે સંકળાયેલા 9052 જણાંએ આત્મહત્યા કરી હતી. જ્યારે વર્ષ 2020માં 11,716 જણાંએ આત્મહત્યા કરી હતી. અર્થાત વર્ષ 2019ની સરખામણીમાં વ્યાપાર ક્ષેત્ર સાથે સંકળાયેલા વધુ 29 ટકા લોકોએ આત્મહત્યા કરી હતી. અર્થાત વર્ષ 2020માં કોરોના કાળમાં કૃષિક્ષેત્ર કરતાં વધુ મુસિબતો વ્યાપારી ક્ષેત્રના લોકોને સહન કરવી પડી હતી.
કેન્દ્ર સરકાર તરફથી સંસદમાં માહિતી આપવામાં આવી હતી કે, એનસીઆરબીએ આત્મહત્યાના પ્રકરણોનું વર્ગીકરણ કર્યું નથી. આમ છતાં આત્મહત્યા કરનારા મોટાભાગના વેપારીઓ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના એકમો સાથે સંકળાયેલા હતા એવું કહી શકાય નહીં, એમ કેન્દ્ર સરકાર તરફથી જણાવવામાં આવ્યું હતું. એનસીઆરબીના અહેવાલ અનુસાર વર્ષ 2020માં 11,716 વેપારીઓએ આત્મહત્યા કરી, પરંતુ આ જ સમયગાળામાં 10,677 ખેડૂતોએ પણ આત્મહત્યા કરી હતી.
વર્ષ 2015ના આંકડાને ધ્યાનમાં લઈએ તો એક વેપારી દીઠ 1.44 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. જ્યારે વર્ષ 2020માં એક ખેડૂત દીઠ 1.1 વેપારીએ આત્મહત્યા કરી હતી.
Published on: Thu, 02 Dec 2021

© 2022 Saurashtra Trust