લોકસભામાં નિયમિત કામગીરી : રાજ્યસભા મોકૂફ

લોકસભામાં નિયમિત કામગીરી : રાજ્યસભા મોકૂફ
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 1 : લોકસભામાં છેવટે નિયમિત કામકાજ શરૂ થયું હતું પરંતુ રાજ્ય સભાના 12 સભ્યોને સસ્પેન્ડ કરવાના મુદ્દે વિરોધ પક્ષોએ જોરદાર પ્રદર્શન ચાલુ રાખતાં રાજ્ય સભાની કાર્યવાહી દિવસભર માટે ઠપ થઈ ગઈ હતી. સરકારને સાણસામાં લેવા માટે વિરોધ પક્ષો ચર્ચા માટે તૈયાર થતાં લોકસભામાં સામાન્ય સ્થિતિ જોવા મળી હતી.
જોકે, વિરોધ પક્ષોએ જણાવ્યું હતું કે સંસદ શરૂ થવા પહેલાં તેઓ નિલંબિત થયેલા સભ્યોના વિરોધ પ્રદર્શનમાં સહભાગી થશે. 
વિરોધ પક્ષોએ લઘુત્તમ ટેકાના ભાવ, ખેડૂતોને વળતર, લખીમપુર હિંસાચાર, કોવિડ વ્યવસ્થાપન અને વળતર, ભાવવધારો તથા ભારત-ચીન સરહદ વિવાદ અંગે ચર્ચાની માગણી કરી છે.
12 સંસદસભ્યોના નિલંબનના મુદ્દે રાજ્યસભામાં વિરોક્ષપક્ષોએ જોરદાર દેખાવો કરતાં રાજ્યસભાની કાર્યવાહી બુધવારે આખા દિવસ માટે સ્થગિત કરી દેવાઈ હતી. 
વિરોધ પક્ષોએ ડૅમ સેફ્ટી બિલ-2019 રજૂ કરી રહેલા કેન્દ્રીય જળશક્તિ પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતને તેમનું વકતવ્ય પૂરું કરવા દીધું નહોતું.
રાજ્ય સભાના ચૅરમૅન વેન્કૈયા નાયડુએ વિરોધ પક્ષના વર્તન અંગે નારાજી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે સંસદીય પ્રણાલીનું અપમાન કરનારા નિલંબિત સભ્યોને કોઈ પસ્તાવો નથી અને તેમનું સસ્પેન્શન રદ કરવાનો સવાલ જ નથી.
Published on: Thu, 02 Dec 2021

© 2022 Saurashtra Trust