વરસાદ, ટીમ સિલેક્શન અને દબાણ હેઠળની ટીમ ઇન્ડિયા સામે વિલિયમસનના વીરોને તક

વરસાદ, ટીમ સિલેક્શન અને દબાણ હેઠળની ટીમ ઇન્ડિયા સામે વિલિયમસનના વીરોને તક
કોહલીને સમાવવા કોનો ભોગ લેવાશે? ભરતને તક મળશે? શિરાઝનું રમવું નિશ્ચિત
આશિષ ભીન્ડે તરફથી  
મુંબઈ, તા. 2 : ટેસ્ટ ક્રિકેટની ટોચના ક્રમાંકની બે ટીમો ભારત અને ન્યૂ ઝીલૅન્ડ, ક્રિકેટની કાશી ગણાતા મુંબઈમાં ટકરાવાની હોય, બે ટેસ્ટ મૅચની શ્રેણીની પહેલી મૅચ રસાકસીભરી ડ્રૉમાં પરિણમી હોય અને હવે સિરીઝ ડિસાઈડર રમાવાની હોય તો અપેક્ષાઓ અને ઉત્કંઠા બંને ટોચ પર હોવાની. પણ સુકાની વિરાટ કોહલીના પાછા ફરવાથી ટીમ ઈન્ડિયા માટે બીજી ટેસ્ટ પહેલાં ટીમ સિલેક્શન માથાનો દુખાવો બન્યો છે અને આ ઓછું હોય તેમ કમોસમી વરસાદ અને ટેસ્ટના પહેલા દિવસે પણ વરસાદની આગાહીના પગલે મૅચમાં પરિણામ લાવવા માટે ટીમોને પૂરા પાંચ દિવસ કદાચ ન પણ મળે, એવી તલવાર લટકી રહી છે. પાંચ વર્ષ બાદ મુંબઈમાં ટેસ્ટ મૅચ રમાઈ રહી છે અને આ બે ટીમો 1988 બાદ પહેલીવાર વાનખેડે સ્ટેડિયમમાં સામસામે ઉતરી રહી હોવા છતાં વરસાદ, સ્ટેડિયમમાં માત્ર પચીસ ટકા દર્શકોની હાજરીના નિયમ અને અન્ય અનિશ્ચિતતાને પગલે ઉત્સાહનો અભાવ જણાય છે. ભારતની ધરતી પર ન્યૂ ઝીલૅન્ડ ટેસ્ટ શ્રેણી જીતી શક્યું નથી, પણ છેલ્લે 1988માં શ્રેણી વિજયની નજીક પહોંચેલા કિવીઝે મુંબઈમાં જ ભારતને ધૂળ ચાટતું કર્યું હતું. કાનપુરમાં જે રીતે મહેમાનો મૅચને ડ્રૉમાં ખેંચી ગયા એ જોતાં મુંબઈમાં ઈતિહાસ બદલવાની તેમની પાસે તક તો છે જ. કસોટી યજમાનોની થવાની છે. 
બીજી ટેસ્ટમાં પહેલા ત્રણ મુંબઈ બૉય્ઝ ચર્ચામાં છે. પહેલી ટેસ્ટમાં ટીમનું સુકાન સંભાળનાર આજિંક્ય રહાણે ઘરઆંગણે ટેસ્ટ રમી શકશે કે કેમ એ અંગે અવઢવ છે. રેગ્યુલર કૅપ્ટન વિરાટ કોહલી માટે જગ્યા કરવા રહાણે કે ચેતેશ્વર પૂજારામાંથી કોને ડ્રૉપ કરવો એ ચર્ચા તો પહેલી ટેસ્ટ મૅચના ત્રીજા દિવસથી શરૂ થઈ ગઈ હતી. તો, કાનપુરમાં ટેસ્ટ પદાર્પણ કરનાર શ્રેયસ ઐય્યરે દબાણ હેઠળ 105 અને 65 રનની ઈનિંગ્સ ખેલી હોવા છતાં મુંબઈમાં ટેસ્ટમાં મુંબઈ ચા મુલગાને રમાડવામાં આવશે કે કેમ એ મોટો પ્રશ્ન છે. તો મુંબઈમાં જ જન્મેલા ન્યૂ ઝીલૅન્ડના એજાઝ પટેલનું સ્થાન ટીમમાં પાકું છે. 2021માં લાગલગાટ 12 નિષ્ફળતાઓ છતાં રહાણેનું મુંબઈમાં રમવું નિશ્ચિત લાગે છે, કેમ કે આટલા મોટા ખેલાડીને માત્ર ફૉર્મના અભાવે પડતો મૂકવાનો નિર્ણય લઈ શકા નહીં. એ જ રીતે ચેતેશ્વર પૂજારાનો દેખાવ પણ ટીમ માટે ચિંતાનો વિષય છે, પણ ટીમમાં એકમાત્ર ટેસ્ટ બૅટ્સમૅન હોવાથી તેને ડ્રૉપ કરવાની શક્યતા નહીંવત છે અને નવા કૉચ રાહુલ દ્રવિડે આ બંને ટીમના આધારસ્તંભ હોવાનું જણાવ્યું હોવાથી તેમને ટીમની બહાર રાખવાનો નિર્ણય કદાચ ન લેવાય. જોકે, કોહલીને ટીમમાં સમાવવા કોઈકનો તો ભોગ લેવાશે જ, ભલેને છેલ્લાં બે વર્ષમાં સુકાનીએ રમતની ત્રણમાંથી એક પણ ફૉર્મેટમાં સદી નોંધાવી નથી. આથી, કોહલી માટે અૉપનર મયંક અગ્રવાલને પડતો મુકાય એવી શક્યતા છે. શુભમન ગિલના બૅટ અને પૅડ વચ્ચે ગેટ વે અૉફ ઈન્ડિયા જેટલો ગૅપ રહી જતો હોવા છતાં કાનપુરમાં પહેલા દાવમાં આક્રમક અડધી સદીના પગલે તેનું માથું બચી જશે, પણ તેનો અૉપાનિંગ પાર્ટનર કોણ હશે? એમ તો પૂજારા અથવા કોહલી ખુદ બાટિંગ અૉપન કરી શકે, પણ ટીમ ઈન્ડિયા કદાચ વિકેટકીપર કે. એસ. ભરતને દાવની શરૂઆત કરવાની જવાબદારી સોંપી શકે છે. 37 વર્ષના વૃદ્ધિમાન સહા ગઈ મૅચમાં ડોકની સમસ્યાને કારણે કાપિંગ કરી શકે એમ નહોતો ત્યારે ભરતે સ્ટમ્પ પાછળ પોતાની આવડતનો પુરાવો આપી ટીમમાં જગ્યા બનાવવા માટેની દાવેદારી પ્રબળ કરી હતી. ભરત ફર્સ્ટ ક્લાસ મૅચોમાં અૉપાનિંગ કરતો હોવાથી અને તેના નામે 308નો સર્વોચ્ચ સ્કૉર બોલાતો હોવાથી તેની પસંદગીથી ટીમની કેટલીક સમસ્યાઓ હળવી થઈ શકે છે. સામા છેડે, સુકાની વિલિયમસન માટે ટીમ સિલેક્શન સરળ રહેશે. વરસાદ અને ભેજને કારણે ન્યૂ ઝીલૅન્ડ ત્રણ પૅસરને ઉતારવાનો વિચાર કરી શકે છે અને નિલ વેગ્નર ત્રીજો ફાસ્ટ બૉલર હશે, એનો અર્થ સ્પિનર વિલ સોમરવિલને બહાર બેસવું પડી શકે છે. ભારત પણ ઈશાંત શર્માની જગ્યાએ મોહમ્મદ શિરાઝને રમાડી શકે છે, અશ્વિન, અક્ષર અને જાડેજાની સ્પિન ત્રિપુટી સાથે ચેડાં કરવાનું ભારત પસંદ નહીં કરે.    
વરસાદને કારણે મહેમાનો વાનખેડે સ્ટેડિયમ ખાતે પ્રૅક્ટિસ કરી શક્યા નહોતા, તો ટીમ ઈન્ડિયાએ મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશનના બાન્દરા-કુર્લા કૉમ્પ્લેક્સની ઈન્ડૉર સુવિધા ખાતે અભ્યાસ કર્યો હતો.  કોહલીએ ક્રિકેટ ક્લબ અૉફ ઈન્ડિયા (બ્રેબૉર્ન સ્ટેડિયમ) ખાતે ટીમના ભૂતપૂર્વ બાટિંગ કૉચ સંજય બાંગર સાથે પ્રૅક્ટિસ કરી હતી. હવામાન પર મૅચના ભાવિનો આધાર છે અને ટિપિકલ વાનખેડે વિકેટ શરૂઆતમાં ઝડપી બૉલરોને મદદરૂપ થશે, બાટિંગ માટે સારી ગણાતી આ વિકેટ પર છેલ્લું હાસ્ય તો સ્પિનરોનું જ હશે, પણ વરસાદને કારણે સમીકરણ બદલાઈ શકે છે, જેમ ટીમમાં કોહલીના આગમનથી ટીમ ઈન્ડિયાનાં સમીકરણ બદલાયાં છે.
હેડલીના વિક્રમને આંબવાની અશ્વિનને તક
મુંબઈ ટેસ્ટમાં રવિચંદ્રન અશ્વિન આઠ વિકેટ લેવામાં સફળ થયો તો, ભારત વિ. ન્યૂ ઝીલૅન્ડ મૅચીસમાં સૌથી લધુ વિકેટ લેનારા દંતકથા સમાન ઝડપી બૉલર રિચર્ડ હેડલીથી તે આગળ થઈ જશે. ભારત સામે 14 ટેસ્ટ મૅચમાં 65 વિકેટ લઈ હેડલી બે દેશો વચ્ચેની ટક્કરમાં સૌથી સફળ બૉલર રહ્યા છે. અશ્વિનનાં નામે આઠ ટેસ્ટમાં 58 વિકેટ બૉલે છે. કાનપુરમાં છ વિકેટ લઈ અશ્વિને 57 વિકેટોના બિશન બેદીના વિક્રમને પાર કર્યો હતો. આ બે દેશો વચ્ચેની ટેસ્ટમાં એરાપલ્લી પ્રસન્ના (10 મૅચમાં પંચાવન વિકેટો) અને ટિમ સાઉધી (10 ટેસ્ટમાં બાવન શિકાર)ના નામે પણ પચાસથી લધુ વિકેટો છે.  
છેલ્લે જીતથી વંચિત 
ટીમ ઈન્ડિયા ઘરઆંગણે રમાયેલી ટેસ્ટ શ્રેણીની એક પણ મૅચ જીતી ન હોય એવું છેલ્લે 2003માં થયું હતું અને યોગાનુયોગે એ વખતે પણ સામે ન્યૂ ઝીલૅન્ડ જ હતું. બે મૅચોની એ શ્રેણીની બંને મૅચો ડ્રૉ રહી હતી.
મુંબઈ મેં આયા મેરા દોસ્ત...
કાનપુર ટેસ્ટમાં ભારતને વિજયથી વંચિત રાખવામાં ભારતીય મૂળના બે ક્રિકેટરો રચિન રવીન્દ્ર અને એજાઝ પટેલનો ફાળો સૌથી મોટો હતો. આમાંનો એજાઝનો જન્મ મુંબઈમાં થયો છે અને સગાં-સંબંધીઓને મળવા અથવા લગ્ન જેવા પ્રસંગોમાં હાજરી આપવા તે ઘણીવાર મુંબઈ આવતો રહે છે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સાથે નેટ બૉલર તરીકે પણ તેણે સેવા આપી છે અને હવે `ઘરઆંગણે' તે ટેસ્ટ રમવાનો છે. એજાઝ આઠ વર્ષનો હતો ત્યારે તેનો પરિવાર મુંબઈથી ન્યૂ ઝીલૅન્ડ શિફ્ટ થયો હતો અને હવે અઢી દાયકા બાદ તે પોતાના દેશ વતી પોતાની જન્મભૂમિ પર મૂળ દેશ સામે રમવાનો છે. ન્યૂ ઝીલૅન્ડ પ્લેયર અને મુંબઈ ઈન્ડિયન્સના બૉલર મિચેલ મૅકલેનેગનની ભલામણથી આઈપીએલની મુંબઈ ટીમના બૅટ્સમૅનો સામે નેટમાં બાલિંગ કરવાથી લઈને મૅચ માણવાનો લહાવો લેનાર એજાઝનાં માતા-પિતાએ તેને ક્યારેય મેદાન પર રમતા જોયો નથી. હવે મુંબઈમાં તેના પરિવારજનો અને મિત્રો ટેસ્ટ મૅચના દરેક દિવસે તેને રમતો જોવા હાજર રહેવાના છે.
Published on: Fri, 03 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer