સુરતને મળશે જ્વેલરી વર્લ્ડ ટ્રેડ સેન્ટર

સુરતને મળશે જ્વેલરી વર્લ્ડ ટ્રેડ સેન્ટર
10 લાખ ચો. મીટરમાં બનશે જેમ્સ ઍન્ડ જ્વેલરી પાર્ક
અમારા પ્રતિનિધિ તરફથી  
સુરત, તા. 2 : શહેરના ઇચ્છાપોર સ્થિત જેમ એન્ડ જ્વેલરી પાર્કને ફરી એક વખત ધમધમતો કરવા માટે કવાયત તેજ કરાઇ છે. રાજ્ય સરકારે ઇચ્છાપોર જેમ એન્ડ જ્વેલરી પાર્કનો ડીનોટીફાઇડનો પ્રશ્ન ઉકેલતા પાર્કમાં છૂટી થયેલી કુલ 10 લાખ સ્કે. મીટર જગ્યામાં જાયન્ટ જ્વેલરી વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉભુ કરવા માટે દેશભરના જ્વેલર્સનો મત જાણવા આગામી રવિવારે એક બેઠકનું આયોજન ગુજરાત હીરા બુર્સ દ્વારા કરાયું છે. 
હીરાનગરી સુરતમાં ખજોદ ખાતે સુરત ડાયમંડ બુર્સનું નિર્માણકાર્ય પૂરજોશમાં આગળ વધી રહ્યું છે. સંભવત: જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ડાયમંડ બુર્સને ખુલ્લુ મુકી દેવામાં આવશે. સુરત હીરા અને ટેક્સટાઇલની સાથે જ્વેલરી મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે પણ આગળ વધે તે માટે ઉદ્યોગ સાહસિકોઉત્સાહિત છે.  
નિક્રીય ઇચ્છાપોરના જ્વેલરી પાર્કની જગ્યાને ડીનોટીફાઇડ કરાતા ફરીથી તેને ધમધમતો કરવા માટે ગુજરાત હીરા બુર્સ સક્રિય થયું છે. જેમ એન્ડ જ્વેલરી પાર્કની 10 લાખ સ્કે. મીટરની જગ્યામાંથી 55  હજાર સ્કે. મીટરની જગ્યામાં અંદાજીત ર850 સ્કે. ફૂટનું બાંધકામ કરીને કાપડમાર્કેટની જેમ જ મોટું જ્વેલરી ટ્રેડીંગ સેન્ટર શરૂ કરવાની કવાયત હાથ ધરાઇ છે.  
આ માટે દેશભરના જ્વેલર્સનો મત જાણવામાં આવશે. રવિવારે યોજાયેલી બેઠકમાં દિલ્હી, મુંબઇ, બેંગ્લોર, રાજકોટ, અમદાવાદ, જયપુર સહિતના શહેરોના અંદાજીત 650 જ્વેલર્સ ભાગ લેશે. જ્વેલર્સ પાસેથી અભિપ્રાય લેવામાં આવશે. નોંધવું કે, રાજકોટમાં જ્વેલરીનું મોટું ઉત્પાદન હબ છે. સુરતમાં જો મોટું જ્વેલરી ટ્રેડ સેન્ટર બને તો રાજકોટના માર્કેટને ટેકઓવર કરે તેવી શક્યતા પણ જોવાઇ રહી છે. 
હાલમાં ઇચ્છાપોર જ્વેલરી પાર્કમાં 18 જેટલી મોટી કંપનીઓ કાર્યરત છે. અન્ય 25 જેટલી કંપનીઓના બિલ્ડિગનું કામકાજ ચાલુ છે.
Published on: Fri, 03 Dec 2021

© 2022 Saurashtra Trust