વાતાવરણમાં ફેરફાર અને પ્રદૂષણને કારણે ઉધરસ તથા ગળામાં દુખાવાની ફરિયાદમાં વધારો

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 2 :  વાતાવરણમાં ફેરફાર, વરસાદ, વધતું પ્રદૂષણ, વાયરલ તાવને લીધે ઘટેલી પ્રતિકારશક્તિ અને પ્રતિબંધો હળવા થયા બાદ બહારના ખાદ્યપદાર્થો આરોગવા જેવા કારણેને લીધે આરોગ્ય સમસ્યાઓ વધી છે. હાલમાં સૂકી ખાંસી અને ગળામાં દુખાવાને કારણે મુંબઈગરા ત્રસ્ત છે. અનેક દિવસ રહેતી આ ઉધરસને કારણે ગળામાં-છાતીમાં દુખાવો, શ્વાસ લેતી વખતે તકલીફ વગેરેનો પણ સામનો કરવો પડે છે.
આ પ્રકારની ઉધરસ ઘણીવાર ઍલર્જીને લીધે પણ થયેલી હોય છે. આથી એ તરફ દુર્લક્ષ કરવું નહીં અને ડૉક્ટરની સલાહ લેવી એવું ફિઝિશિયન ડૉ. રવિ મ્હાત્રે જણાવે છે. શરદી-ઉધરસથી કંઈ થતું નથી એવું આપણે માનતા હોઈએ છીએ. ઉધરસ અસહ્ય થાય તો જ ડૉક્ટરની સલાહ લેવાય છે. પરંતુ અનેક દિવસ રહેતી ઉધરસ ત્રાસદાયક નીવડી શકે છે. એ ટીબીનું લક્ષણ પણ હોઈ શકે છે. આથી એની ખાતરી કરી લેવી જોઈએ અને સમયસર સારવાર કરવાની સલાહ ડૉક્ટરો આપી રહ્યા છે. ઉપરાંત પ્રદૂષણ અને વિવિધ પ્રકારની ઍલર્જીને લીધે પણ શ્વસનતંત્ર સંબંધિત ફરિયાદોમાં વધારો થયો હોવાનું શ્વસન સંબંધિત રોગોના નિષ્ણાત ડૉ. એસ. પી. પવારે જણાવ્યું હતું.
ધ્યાન રાખો : તળેલા, મસાલાવાળા ખાદ્યપદાર્થો ખાવાનું ટાળો, માસ્ક ધોઈને વાપરો અને દવાનો કોર્સ પૂરો કરો. ઉકાળા અને ઘરગથ્થુ દવાઓ આડેધડ લેવાથી ઘણીવાર ઓડનું ચોડ થઈ જવાની શક્યતા રહે છે. અનેક દિવસો રહેતી ઉધરસ અન્ય ગંભીર પ્રકારના રોગને આમંત્રણ આપે છે.
માસ્કની સ્વચ્છતા : એક જ માસ્ક અનેક દિવસ પહેરવાથી દમ તેમ જ શ્વસન સંબંધિત ફરિયાદોમાં વધારો થયેલો જોવા મળ્યો છે. 
Published on: Fri, 03 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer