રૂ. 25 લાખના વળતરની માગણી કરી ભાજપના નગરસેવકોનાં આરોગ્ય સમિતિમાંથી રાજીનામાં

વરલીમાં સ્ફોટથી દાઝેલા શિશુનું સારવારમાં વિલંબથી મૃત્યુ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 2 : વરલીમાં બીડીડી ચાલમાં સિલિન્ડરમાં સ્ફોટને પગલે ચાર માસના શિશુની સારવારમાં કથિત વિલંબ થતાં તેનું મૃત્યુ થયું હોવાની ઘટનાના વિરોધમાં ભાજપએ શિવસેનાનું વર્ચસ ધરાવતી પાલિકા વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યું છે.
ભાજપના મુંબઈ એકમના વડા મંગલપ્રભાત લોઢા, વિધાનસભ્ય યોગેશ સાગર, જૂથનેતા પ્રભાકર શિંદે અને ભાલચન્દ્ર શિરસાટની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળે નાયર હૉસ્પિટલના ડીન ડૉ. રમેશ ભારમલ સમક્ષ આ પ્રકરણની તપાસ પાલિકાની બહારના નિષ્ણાત તબીબો દ્વારા કરાવવાની અને દોષિતો વિરુદ્ધ સદોષ મનુષ્યવધનો ગુનો દાખલ કરવાની માગણી કરી હતી. ઉપરાંત આ બનાવ પ્રત્યે વિરોધ વ્યક્ત કરવા આરોગ્ય સમિતિમાંથી ભાજપના બધા 11 સભ્યોએ રાજીનામાં આપ્યાં છે.
મંગલપ્રભાત લોઢાએ જણાવ્યું હતું કે આ બનાવ પછી મેયર કિશોરી પેડણેકર નાયર હૉસ્પિટલમાં ફરક્યા સુધ્ધાં નથી. પાલિકા તંત્રનું આ વલણ ચિંતાજનક છે.
યોગેશ સાગરએ જણાવ્યું હતું કે વરલીમાં સિલિન્ડરના ધડાકામાં ઘવાયેલા શિશુ પ્રત્યે બેદરકારી ભર્યું વલણ દેખાડવાને લીધે તેનું મૃત્યુ નીપજયું છે. તેથી શિવસેનાના વર્ચસ ધરાવતી પાલિકાએ શિશુના પરિવારને વળતરરૂપે 25 લાખ રૂપિયા આપવા જોઈએ એમ સાગરે ઉમેર્યું હતું.
Published on: Fri, 03 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer