ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી ?

જામનગરમાં આફ્રિકાથી આવેલો પ્રવાસી કોરોના પૉઝિટિવ
જામનગર, તા.2 : ગુજરાતમાં કોરોનાનો પહેલો કેસ સૌરાષ્ટ્રમાં નોંધાયો હતો તેવી રીતે હવે ઓમિક્રોનનો પહેલો કેસ પણ સૌરાષ્ટ્રમાં નોંધાય તેવું જણાઈ આવે છે. જામનગરમાં આફ્રિકાથી આવેલા એક પ્રવાસીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા દોડધામ મચી છે. ઓમિક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ કેસ હોવાનું દેખાતા આરોગ્ય વિભાગે દર્દીના સેમ્પલ પૂણેની લેબમાં મોકલ્યા છે.
જામનગરમાં છેલ્લા પાંચેક દિવસથી સતત વધતા જતા કોરોનાગ્રાફને લઈને ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ત્રણ દિવસ પૂર્વે એક જ પરિવારના સાત દર્દીઓ પોઝિટિવ નોંધાયા હતા. જો કે ત્યારબાદ સતત બે દિવસમાં બે કેસ નોંધાયા હતા. દરમિયાન આજે એક પોઝિટિવ કેસ નોંધાયો હતો, પરંતુ આ દર્દી સાઉથ આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા હોવાનું સામે આવતા ચિંતા વધી છે. કોરોનાના સૌથી ઘાતક મનાઈ રહેલા ઓમિક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ કેસ જણાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. હાલ આ દર્દીને અલગ અઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે દર્દીના નમુના લઇ પૂણે લેબમાં મોકલી આપ્યા છે.
જામનગર મ્યુનિ.કમિશનરના જણાવ્યાનુસાર, દક્ષિણઆફ્રિકાના ઝિમ્બાવેથી તા.28ના પત્ની અને પુત્રી સાથે ભારત આવેલા અને જામનગરના મોર્કંડા ગામે રહેતા 50 વર્ષીય પુરુષ તા.29ના પોતાના ઘરે પહોંચ્યા હતા. જામનગર આવતા જ તેમને તાવ આવતો હોવાથી ખાનગી ડોક્ટર પાસે સારવાર લીધી હતી. ત્યાર પછી પણ તબિયત બગડતા તેનો આરટીપીસીઆર કરાવ્યો હતો. જે પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગે તાત્કાલિક તેને અલગ આઈસોલેટ કર્યો હતો. આ સાથે આરોગ્ય વિભાગે તેના પત્નિ, પુત્રી અને નજીકમાં રહેતા 10 લોકોના ટેસ્ટ કરાવ્યા હતા. જો કે, તેઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આ ઉપરાંત મોર્કંડા વિસ્તારમાં રહેતા 85 લોકોને આઈડેન્ટીફાઈ કરીને તેના ઉપર પણ વોચ રાખવામાં આવી રહી છે.
Published on: Fri, 03 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer