વેપાર ખાધ વધુ પહોળી : 26.49 ટકા નિકાસ સામે આયાત 57.18 ટકા

નવી દિલ્હી, તા.2 : મેક ઈન ઈન્ડિયા, વોકલ ફોર લોકલની વાતો વચ્ચે વિદેશ વેપારમાં ભારતે જેટલું વેચાણ કર્યું છે તેથી બમણી ખરીદી કરતાં વેપાર ખાધ વધુ પહોળી બન્યાનું સામે આવ્યું છે. ભારતનો નિકાસ વૃદ્ધિ દર નવેમ્બરમાં ઘટીને 26.49 ટકા રહ્યો હતો. જેની સામે આયાત વધીને 57.18 ટકા થઈ હતી. નિકાસ કરતાં ભારતની આયાત બમણાંથી વધુ રહી છે.
વાણિજ્ય મંત્રાલયના આંક અનુસાર નવે.માં ભારતની ગુડ્સ એકસપોર્ટ 29.88 અબજ ડોલર રહી છે. દેશની નિકાસમાં જેમ્સ-જ્વેલરી અને ફાર્મા સેકટરનો હિસ્સો ઘટી રહ્યો છે. એન્જિનિયરિંગ, પેટ્રોલિયમ, રસાયણ અને દરિયાઈ ઉત્પાદનમાં સારો વધારો થતાં નિકાસ વધી છે. નવે.માં દેશની આયાત 53.15 અબજ ડોલરને આંબી ગઈ હતી. નવે.માં દેશની વેપાર ખાધ આશરે બે ગણી થઈને 23.27 અબજ ડોલરને આંબી ગઈ હતી. આ સમય દરમિયાન ક્રૂડ ઓઈલ અને ગોલ્ડ ઈમ્પોર્ટમાં તેજી નોંધાઈ હતી. એક વર્ષની તુલનાએ આ વર્ષે ટ્રેડ ડેફિસીટ બમણી થયાનું નોંધાયુ છે. નવે.2020માં તે 1.19 અબજ ડોલર હતી. નવે.માં દેશની સોનાની આયાતમાં 8 ટકાનો વધારો જોવા મળ્યો છે. નવે.2020માં ભારતની આયાત-નિકાસમાં 10.19 અબજ ડોલરનું અંતર હતું. અગાઉ ઓકટોબર 2012માં વેપાર ખાધ 20 અબજ ડોલરને પાર કરી ગઈ હતી.
નવે.માં દેશની આયાત 53.15 અબજ ડોલરની રહી જે ગત વર્ષ નવે.માં 23.62 અબજ ડોલર હતી. એપ્રિલથી નવે.ના સમય દરમિયાન ભારતની મર્ચેન્ડાઈઝ નિકાસ ર6ર.46 અબજ ડોલર રહી છે. જે 2020ના આ સમયની તુલનાએ 50 ટકાનો વધારો દર્શાવે છે.2019માં સમીક્ષાના સમય દરમિયાન તે 211.17 અબજ ડોલર હતી. આ વર્ષે 8 મહિનામાં આયાતમાં 75.39 ટકાનો વધારો થયો છે. એપ્રિલ-નવે.2021માં આયાત વધીને 384.44 અબજ ડોલર થઈ છે. ચાલુ વર્ષના 8 માસમાં વેપાર ખાધ 122 અબજ ડોલરને આંબી ગઈ છે. ક્રૂડ અને પેટ્રોલિયમ તથા કોલસો, કોક, બ્રિકેટની ભારતે મોટા પ્રમાણમાં આયાત કરી છે.
Published on: Fri, 03 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer