ખાનગીકરણનો વિરોધ : 16-17 ડિસેમ્બરે દેશવ્યાપી બૅન્ક હડતાળ

નવી દિલ્હી, તા. 2 :  નવ બૅન્ક યુનિયનોની પ્રતિનિધિ સંસ્થા યુનાઈટેડ ફોરમ અૉફ બૅન્ક યુનિયન્સ (યુએફબીયુ)એ જાહેર ક્ષેત્રની બે બૅન્કોના ખાનગીકરણના સરકારના પ્રસ્તાવના વિરોધમાં આગામી 16 અને 17 ડિસેમ્બરે બૅન્કની દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. 
અૉલ ઈન્ડિયા બૅન્ક એમ્પ્લોઈઝ ઍસોસિયેશન (એઆઈબીઈએ)ના જનરલ સેક્રેટરી સીએચ વેન્કટચલમે જણાવ્યું હતું કે અમે સરકાર અને આઈબીએ બંનેને હડતાળ અંગેની નોટિસ મોકલી દીધી છે.
જાહેર ક્ષેત્રની બે બૅન્કોના ખાનગીકરણનો માર્ગ મોકળો કરવા માટે સરકાર સંસદના શિયાળુ અધિવેશનમાં બૅન્કિંગ લૉ (અમેન્ડમેન્ટ) બિલ રજૂ કરે એવી શક્યતા છે. વેન્કટચલમે કહ્યું હતું કે ખરડો રજૂ કરવામાં આવશે એ દિવસે સંસદ સામે ધરણાં અને દેખાવો કરવામાં આવશે. 10 ડિસેમ્બરે ટ્વીટર અભિયાનનું આયોજન કરાયું છે અને 14 ડિસેમ્બરે વડા પ્રધાનને અૉનલાઈન પિટિશન આપવાની પણ યોજના છે.
Published on: Fri, 03 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer