કોરોના : નવા 9765 સંક્રમિતો, 8548 સાજા, 124.96 કરોડનું રસીકરણ

નવી દિલ્હી, તા. 2 : ઓમિક્રોનના ભારતમાં પ્રવેશથી ઉચાટ વચ્ચે દેશમાં ગુરુવારે 10 હજારથી ઓછા નવા દર્દી સામે આવ્યા હતા. જો કે, આજે મોતનો આંકડો પોણા પાંચસો જેટલો આવ્યો હતો. 
દેશમાં નવા 9765 દર્દી ઉમેરાતાં કુલ્લ સંક્રમિતોની સંખ્યા 3.46 કરોડને આંબી 3,46,06,541 થઈ ગઈ હતી., તો વધુ 477 દર્દી કોરોનાનો કોળિયો બની જતાં કુલ 4,69,724 દર્દી જીવ ખોઈ ચૂકયા છે. 
આજે એકલાં કેરળમાં 403 મોત નોંધાયા હતા. જેમાંથી 96 મોત થોડા દિવસો દરમ્યાન થયા હતા. અન્ય 307 મોત કેન્દ્રની નવી માર્ગદર્શિકાના આધારે કરાયેલી અરજીઓ પરથી સામે આવ્યા હતા. 
આજે વધુ 740 કેસના વધારા બાદ આજની તારીખે 99,763 સંક્રમિતો સારવાર હેઠળ છે. સક્રિય કેસોનું પ્રમાણ 0.29 ટકા છે. 
દેશના વિવિધ ભાગોમાં 24 કલાક દરમ્યાન વધુ 8548 સંક્રમિતો ચીની વાયરસ સામે જંગ જીતી જતાં કુલ્લ 3,40,37,054 દર્દી સંક્રમણ મુક્ત થઈ ચૂકયા છે. 
સાજા થતાં દર્દીનો દર એટલે કે, રિકવરી રેટ 98.36 ટકા છે. સંક્રમણનો દૈનિક દર 0.89 ટકા, સાપ્તાહિક દર 0.85 ટકા છે. 
દેશમાં અત્યાર સુધી 124.96 કરોડ લોકોને કોરોના સામે રસીકરણનું સુરક્ષા કવચ મળી ચૂકયું છે.
Published on: Fri, 03 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer