યુપીએ નહીં હોવાનું કહીને મમતા બેનરજી ભાજપના વ્યૂહને મદદ કરી રહ્યાં છે

કૉંગ્રેસના આગેવાનોએ વ્યક્ત કર્યો મત
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 2 : પ. બંગાળનાં મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કૉંગ્રેસનાં વડા મમતા બેનરજીએ મુંબઈની મુલાકાત સમયે કૉંગ્રેસની આગેવાની હેઠળના યુપીએનું અસ્તિત્વ જ નથી એમ કહીને કૉંગ્રેસના મહત્ત્વની અવગણના કરતું નિવેદન કર્યું તેની કૉંગ્રેસના આગેવાનોએ આકરી ટીકા કરી છે. યુપીએ અસ્તિત્વમાં નથી એમ કહીને મમતા બેનરજીએ ભાજપના `તોડો અને જોડો'ના વ્યૂહને મદદ કરી રહ્યાં છે એવો સૂર કૉંગ્રેસના આગેવાનોએ વ્યક્ત કર્યો છે.
કૉંગ્રેસના મહારાષ્ટ્ર એકમના વડા નાના પાટોલેએ જણાવ્યું હતું કે ભાજપનો વિરોધ કરી શકે એવો સક્ષમ વિકલ્પ માત્ર કૉંગ્રેસ જ છે. કેટલાક લોકો અહંકારને કારણે કૉંગ્રેસના મહત્ત્વને અવગણના કરતાં વિધાનો કરે છે. મહારાષ્ટ્રના કેટલાક પ્રાદેશિક પક્ષો પણ ભાજપના વિકલ્પરૂપે અન્ય પક્ષો ઉપસી શકે છે એવા દિવાસ્વપ્નો જોવાનું બંધ કરવું જોઈએ. આજે દેશમાં બહુ મોટો વર્ગ ગાંધી પરિવાર ઉપર વિશ્વાસ કરે છે.
મહારાષ્ટ્રનાિં વિધાનગૃહોમાં કૉંગ્રેસ પક્ષના નેતા અને મહેસૂલ પ્રધાન બાળાસાહેબ થોરાતે જણાવ્યું છે કે ભાજપ અને કેન્દ્ર સરકારની હુકમશાહી સામે કૉંગ્રેસ લડે છે તે આખા દેશને ખબર છે. પોતાના રાજકીય લાભ અને વ્યક્તિગત મહત્ત્વકાંક્ષા માટે સગવડરૂપ ભૂમિકા લઈને કોઈ પણ ભાજપની વિરુદ્ધ લડી શકે નહીં. દેશ અને લોકશાહી સમક્ષ કૉંગ્રેસ જ સક્ષમ વિકલ્પ છે.
રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ ગત સાત વર્ષથી કૉંગ્રેસ ભાજપ સરકારની વિરુદ્ધ નીડરપણે લડત આપી રહ્યો છે. ભાજપ અને અન્ય પક્ષો દ્વારા રાહુલ ગાંધી અને તેમના આખા પરિવાર ઉપર વ્યક્તિગત ટીકાઓ કરવામાં આવી છે. બદનામીની ઝુંબેશ ચલાવવામાં આવી છતાં રાહુલ ગાંધીએ પીછેહઠ કરી નથી એમ થોરાતે ઉમેર્યું હતું.
કૉંગ્રેસના આગેવાન અને જાહેર બાંધકામ પ્રધાન અશોક ચવ્હાણે કહ્યું છે કે લોકશાહી - બંધારણ પ્રત્યેની કટિબદ્ધતા તેમ જ વર્તમાન કેન્દ્ર સરકાર વિરુદ્ધ લડત અંગે કૉંગ્રેસને અને તેના નેતૃત્વને કોઇના પ્રશસ્તીપત્રની જરૂર નથી. સ્વાતંત્ર પ્રાપ્તિ પહેલાથી જ કૉંગ્રેસ આજ સુધી સર્વસામાન્ય નાગરિકો માટે પ્રમાણિકતાથી લડત આપી રહી છે. કેન્દ્ર સરકારના ભૂસંપાદન અને કૃષિ કાયદા રદ કરવા અંગે આખા દેશે કૉંગ્રેસની લડત જોઇ છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના સક્ષમ નેતૃત્વ હેઠળ અમે કેન્દ્ર સરકારને જવાબ આપી રહ્યા છીએ. તેથી દેશના બિનભાજપ પક્ષોએ કેન્દ્ર સરકારના `તોડો અને જોડો'ના પ્રયોગને મદદ મળે એવું રાજકારણ કરવું ના જોઇએ એમ ચવ્હાણે ઉમેર્યું હતું.
Published on: Fri, 03 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer