મુંબઈમાં આ વખતે આખું વર્ષ વરસાદ પડ્યો છે

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 2 : દક્ષિણ ભારતમાંના વરસાદના પ્રમાણમાં વૃદ્ધિ અને એ સાથે સાથે યુરોપના દેશોમાં નિર્માણ થયેલી વાતવરણીય સ્થિતિ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સિસ)નું સંયુક્ત પરિણામ છે મુંબઈમાં ડિસેમ્બરના પ્રારંભમાં પડેલો જોરદાર વરસાદ. બન્યું એવું છે કે મુંબઈગરાઓએ આ વખતે આખું વર્ષ વરસાદનો અનુભવ કર્યો છે. ચોમાસુ પતી ગયું હોવાછતાં વરસાદ મુંબઈમાંથી હજી જવાનું નામ લેતો નથી. 
મુંબઈમાં 2021 વર્ષનો પ્રારંભ વરસાદથી જ થયો હતો. વેધશાળાનું કહેવું છે કે મુંબઈગરા ગુલાબી ઠંડીની પ્રતિક્ષામાં હતા ત્યારે આઠમી જાન્યુઆરીના વહેલી સવારે હાજરી નોંધાવી હતી અને સવારે 8.30 સુધીમાં બે મિમી વરસાદ પડ્યો હતો. 10 જાન્યુઆરીના તળ મુંબઈમાં ચાર મિમી વરસાદ પડેલો. મુંબઈના પરાં વિસ્તારમાં 19 ફેબ્રુઆરીના ત્રણ મિમી વરસાદ થયો હતો. એ પછી માર્ચ, એપ્રિલમાં પણ વરસાદ આવ્યો હતો. મે મહિનામાં તો તૌકાતે નામના વાવાઝોડાએ મુંબઈને જળબંબોળ કરી નાખ્યું હતું. 
ચોમાસું શરૂ થાય એ પહેલાં જ મુંબઈમાં 250 મિમીથી વધુ વરસાદ પડી ગયો હતો. નવ જૂનના મુંબઈમાં નૈઋત્યુનું ચોમાસું સત્તાવાર રીતે બેઠું હતું. જુલાઈના મધ્યમાં તો મુંબઈગરાઓ વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોયું હતું. 
સપ્ટેમ્બરના અંત સુધીમાં મુંબઈમાં 2332.3 મિમી અને ઉપનગરમાં 3163.5 મિમી વરસાદ પડ્યો હતો. અૉક્ટેબરમાં ચોમાસું પતી ગયું હતું અને એ પછી પણ વરસાદ જવાનું નામ લેતો નથી.
Published on: Fri, 03 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer