રસીના બે ડૉઝ લીધેલા આંતરદેશીય પ્રવાસીઓને મુંબઈ ઍરપોર્ટ પર નહીં અટકાવાય

રસીના બે ડૉઝ લીધેલા આંતરદેશીય પ્રવાસીઓને મુંબઈ ઍરપોર્ટ પર નહીં અટકાવાય
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 2 : મહારાષ્ટ્ર સરકારે તમામ આંતરદેશીય વિમાની પ્રવાસી માટે બહાર પાડેલી ગાઈલાન્સ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સને અનુરૂપ ન હોવાથી મહારાષ્ટ્ર સરકારે બુધવારે એમાં સુધારો કર્યો હતો. 
મહારાષ્ટ્ર સરકારે એક દિવસ પહેલા એવો આદેશ બહાર પાડ્યો હતો કે મુંબઈ ઍરપોર્ટ પર ઉતરતા તમામ ડોમેસ્ટિક પ્રવાસીઓ પાસે 72 કલાક પહેલાનો આરટી-પીસીઆર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ હોવો જરૂરી છે. જોકે, કેન્દ્ર સરકારની નારાજગી બાદ મહારાષ્ટ્ર સરકારે એમાં ફેરફાર કર્યો છે અને કહ્યું કે મુંબઈ ઍરપોર્ટ પર ઉતરતા દરેક પ્રવાસીએ રસીના બે ડોઝ લીધા હોવા જોઈએ અને જેમણે બે ડોઝ ન લીધા હોય તેમની પાસે 72 કલાક પહેલાનો આરટી-પીસીઆર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ હોવો જરૂરી છે. 
એ ઉપરાંત વિદેશી પ્રવાસીઓ માટેના સાત દિવસના ફરજિયાત ક્વોરન્ટાઈનના નિયમને પણ મહારાષ્ટ્ર સરકારે પડતો મુક્યો છે અને માત્ર હાઈ રિસ્ક દેશોમાંથી આવતા વિદેશી પ્રવાસીઓને જ સાત દિવસ માટે ક્વોરન્ટાઈન કરાશે. આ હાઈ રિસ્ક દેશોમાં સાઉથ આફ્રિકા, ઝીમ્બાવે અને બોત્સવાનાનો સમાવેશ છે. આ ત્રણ દેશમાંથી આવનાર દરેક પ્રવાસીની આરટી-પીસીઆર ટેસ્ટ કરાશે અને સાત દિવસના ક્વોરન્ટાઈનમાં પણ તેમને રહેવું પડશે. 
જો લોકો મહારાષ્ટ્રમાં આવતા પહેલાના પંદર દિવસમાં જો કોઈ પ્રવાસી આ ત્રણ દેશોની મુલાકાતે ગયા હશે તો તેમને હાઈ રિસ્ક પ્રવાસી ગણવાનો રાજ્ય સરકારે ફેંસલો કર્યો છે. તેમની પણ ફરજિયાતપણે આરટી-પીસીઆર ટેસ્ટ કરાશે અને સાત દિવસના ક્વોરન્ટાઈનમાં પણ તેમને રહેવું પડશે. વિદેશથી આવતા તમામ પ્રવાસીઓએ એક ફોર્મ ભરવું પડશે અને છેલ્લા 15 દિવસમાં તેમણે કયા કયા દેશોની મુલાકાત લીધી હતી એની જાહેરાત કરવી પડશે. ખોટી જાહેરાત કરનાર પ્રવાસી સામે 2005ના ડિઝેસ્ટર મૅનેજમેન્ટ ઍક્ટ હેઠળ કાર્યવાહી કરવાની ચેતવણી પણ સરકારે આપી છે. 
Published on: Fri, 03 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer