પરમબીર સિંહ આખરે પોલીસ ફોર્સમાંથી સસ્પેન્ડ

પરમબીર સિંહ આખરે પોલીસ ફોર્સમાંથી સસ્પેન્ડ
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 2 : મહારાષ્ટ્ર સરકારે ગુરુવારે મુંબઈના માજી પોલીસ કમિશનર અને હોમ ગાર્ડ્સના વર્તમાન ડિરેક્ટર જનરલ પરમબીરને રાજ્યના પોલીસ ફોર્સમાંથી અનિશ્ચિત મુદત માટે આખરે સસ્પેન્ડ કર્યા હતા. ત્રણ સપ્તાહ હૉસ્પિટલમાં રહ્યા બાદ ઘરે પાછા આવેલા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પરમબીરની સસ્પેન્શનને લગતી ફાઈલ પર સહી કરતાં ગૃહ મંત્રાલયે તેમના સસ્પેન્શનનો આદેશ બહાર પાડ્યો હતો. 
સસ્પેન્શનનો આ ઓર્ડર મહારાષ્ટ્રના પોલીસ ચીફ સંજય પાંડેને મોકલવામાં આવ્યો છે, જેઓ પરમબીરને આ સસ્પેન્સન ઓર્ડર સુપરત કરશે. પરમબીરની સાથે સાથે ડીસીપી પરાગ મનેરેને પણ સસ્પેન્ડ કરાયા છે. 
સસ્પેશન ઓર્ડરની શરતો પ્રમાણે પરમબીર કોઈ નોકરીમાં જોડાઈ નહીં શકે. તેઓ ધંધો કે વ્યવસાય પણ શરૂ કરી નહીં શકે. સસ્પેન્શન દરમિયાન તેઓ મહારાષ્ટ્રના પોલીસ ચીફની અૉફિસ સાથે સંકળાયેલા રહેશે. સસ્પેન્શનની એકેય શરતનો ભંગ થશે તો તેમની સામે ગેરશિસ્તની કાર્યવાહી કરવામાં આવશે. 
પરમબીરે ફરજ દરમિયાન આચરેલી અમુક ગેરરીતિ અને ભૂલોની તપાસ કરવા સરકારે સનદી અધિકારી દેબાશિષ ચક્રવર્તીની નિયુક્તિ કરી હતી. નોકરીની શરતોનો ભંગ કરવા તેમની સામે શું પગલાં લેવા તેની ભલામણ કરવાનું દેબાશિષ ચક્રવર્તીને જણાવવામાં આવેલું. તાજેતરમાં તેમણે ગૃહ મંત્રાલયને પોતાનો રિપોર્ટ સુપરત કર્યો હતો અને એમાં તેમને સસ્પેન્ડ કરવાની ભલામણ કરી હતી. 
1988 બૅચના આઈપીએસ અૉફિસર પરરમબીર સિંહને 17 માર્ચે મુંબઈ પોલીસ કમિશનર પદેથી દૂર કરાયા હતા. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાનની બહારથી વિસ્ફોટક સામગ્રી ભરેલી એસયુવી મળી એ બાદ સરકારે તેમને હટાવ્યા હતા અને તેમને હોમ ગાર્ડ્સના ચીફ બનાવવામાં આવ્યા હતા. ટ્રાન્સફરના ત્રણ દિવસ બાદ પરમબીરે મુખ્ય પ્રધાનને એક પત્ર લખી એ વખતના ગૃહપ્રધાન અનિલ દેશમુખ સામે 100 કરોડની વસૂલીનો આક્ષેપ કર્યો હતો. એ પછી મહારાષ્ટ્રમાં પરમબીર સામે ખંડણીના પાંચ પોલીસ કેસ નોંધાયા હતા. તેઓ તરત જ લાપત્તા થઈ ગયા હતા અને 232 દિવસ અજ્ઞાતવાસમાં રહ્યા બાદ ગયા અઠવાડિયે મુંબઈમાં પકટ થયા હતા. 
પરમબીર હવે ભાગેડુ નથી 
પરમબીર સિંહ ગુરુવારે એસ્પ્લેનેડ કોર્ટમાં હાજર થતા મેજિસ્ટ્રેટે તેમને ભાગેડુ જાહેર કરતો આદેશ પાછો ખેંચી લીધો હતો. ખંડણીના ત્રણ કેસમાં તેમની ભાળ મળતી ન હોવાથી કોર્ટે તેમને ભાગેડુ જાહેર કરેલા. 
એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે પરમબીરને રાહત આપી હોવાથી તથા તેઓ હવે તપાસમાં સાથ આપી રહ્યા હોવાથી તેમને ભાગેડુ જાહેર કરતો આદેશ પાછો ખેંચી લેવામાં આવે છે. પરમબીર સામે ખંડણીના ત્રણ બિનૃજામીનપાત્ર વૉરન્ટ નીકળેલા અને ત્રણે હવે રદ થયા છે.  
Published on: Fri, 03 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer