લોકસભામાં કોરોનાના મુદ્દે ચર્ચા; રાજ્યસભામાં કામકાજ શરૂ થયું

લોકસભામાં કોરોનાના મુદ્દે ચર્ચા; રાજ્યસભામાં કામકાજ શરૂ થયું
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 2 : લોકસભામાં શિયાળુ સત્રના ત્રીજા દિવસે કોવિડ-19ના નિયમ 193 ઉપર ચર્ચા થઇ હતી અને ગુરુવારથી રાજ્યસભામાં કામકાજ શરૂ થયું હતું. જોકે, સવારના સમયે વિપક્ષે રાજ્યસભાના સભ્યોના સસ્પેન્શન અને મોંઘવારીના મુદ્દે વોકઆઉટ કર્યા બાદ ડેમ સુરક્ષા બિલ અંગે ચર્ચા શરૂ થઇ હતી. 
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું હતું કે આ ચર્ચા એવા સમયે શરૂ થવાની છે જ્યારે કોરોનાના નવા સંસ્કરણ ઓમિક્રોન ભારતમાં પ્રવેશી ચૂકયો છે. બિરલાએ આશા વ્યકત કરી હતી કે આ મુદ્દે ગૃહમાં ચર્ચા સકારાત્મક થશે. સ્પીકરે એ સાંસદોની પ્રશંસા કરી હતી જેમણે પોતાના મતદાર સંઘમાં મહામારીને કાબૂમાં રાખવા અને તેનાથી નાગરિકોને બચાવવા માટે નવાં કાર્યો કર્યાં અને વૈશ્વિક સમસ્યા સામે લડતા કોરોના યોદ્ધાઓની પણ પ્રશંસા કરી હતી. 
ચર્ચાની શરૂઆત કરતા શિવસેનાના વિનાયક રાઉતે મહામારીને પ્રભાવીપણે કાબૂમાં રાખવા અને દેશભરમાં ફેલાવતી અટકાવવા માટે વડા પ્રધાન, કેન્દ્રીય અને રાજ્યના તમામ આરોગ્યપ્રધાન અને પ્રત્યેક મુખ્ય પ્રધાનોનો આભાર વ્યકત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મુંબઈમાં ધારાવીમાં જે રીતે બીમારીને કાબૂમાં લેવામાં આવી તે એક પડકાર હતો. વિશ્વને ભારતે દેખાડી દીધું કે મહામારી સામે કેવી રીતે લડી શકાય. 
જોકે, રાઉતે ચર્ચા દરમિયાન પીએમ રાહત ભંડોળ હેઠળ ફાળવાયેલા 60 ટકા વેન્ટિલેટર કામ ન કરતાં હોવાનું જણાવી વારંવાર ફરિયાદ થઇ હોવા છતાં તેનાં સમારકામ અંગે કે નવાં ઉપકરણો માટે કોઇપણ જવાબ ન મળ્યો હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે 1500 પીએસએ સંયંત્રોમાંથી માત્ર 363 ઉપકરણો કાર્યરત છે. તેથી જવાબદાર કંપની સામે કડક પગલાં લઇને તેમને દંડ ફટકારવામાં આવે. લોકોનો અને સરકારનો ભરોસો તોડનાર કંપનીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માગ રાઉતે કરી હતી. 
રાઉતે કોવિશિલ્ડ રસીના પહેલા અને બીજા ડૉઝ વચ્ચેના અંતરમાં ઘટાડો કરવાની માગ કરી હતી. જેમના રસીકરણ નથી થયા કે જેમણે આંશિક રીતે ડૉઝ લીધો છે એવા નાગરિકોના પ્રવાસ ઉપર પ્રતિંબધ મૂકવાની વાતને ટેકો આપ્યો હતો. તેમણે વિપક્ષી શાસિત રાજ્યોની તુલનામાં ભાજપ શાસિત રાજ્યોમાં રસીના વધુ ડૉઝ મોકલવામાં આવ્યાની ફરિયાદ કરી હતી. 
કૉંગ્રેસના ગૌરવ ગોગોઇએ જણાવ્યું હતું કે કોરોનાથી થયેલા મૃત્યુના આંકડાની નોંધ ઓછી થઇ છે. ખાનગી હોસ્પિટલો કે ક્લિનિકો પાસે રહેલા સ્ટૉકનો યોગ્ય રીતે ઉપયોગ થવો જોઇએ. સરકારના બુસ્ટર ડૉઝ અંગેના વલણ બાબતે તેમણે સવાલ કર્યો હતો. 
ડીએમકેના ડૉ. ડીએનવી સેંથિલકુમારે જણાવ્યું હતું કે કોરોનાના નવા સંસ્કરણ ઓમિક્રોન ભારત માટે પણ ચિંતાનું કારણ છે. ભારત સરકારે જોખમી વાયરસ પર અંકુશ મેળવવા કડક પગલાં લેવાં જોઇએ. તમિળનાડુના ચેંગલપટ્ટુમાં વેકિસન કૉમ્પ્લેકસમાં રસી બનાવવાની મંજૂરી માગી રાજ્ય સરકાર ઉત્પાદન કરવા તૈયાર હોવાનું તેમણે વધુમાં ઉમેર્યું હતું.
Published on: Fri, 03 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer