ગુજરાતના વિકાસ મોડેલને દેશ-દુનિયાના લોકોએ સફળ મોડેલ માન્યું : કનુભાઈ દેસાઈ

ગુજરાતના વિકાસ મોડેલને દેશ-દુનિયાના લોકોએ સફળ મોડેલ માન્યું : કનુભાઈ દેસાઈ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 2 :  ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દૃષ્ટિવંત નેતૃત્વમાં શરૂ થયેલી પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાન, પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ સ્કીમ, ઈઝ અૉફ ડુઈંગ બિઝનેસ, ઈઝ અૉફ લાવિંગ અને મેક ઈન ઈન્ડિયા સહિતની અનેક યોજનાઓથી દેશના ઉદ્યોગ ક્ષેત્રમાં નવા પ્રાણ ફૂંકાયા છે. ગુજરાત આ બધી યોજનાઓમાં અગ્રણી બનીને `આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર ગુજરાત'ના મંત્ર સાથે મક્કમતાથી આગળ વધ્યું છે.   
નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું કે ગુજરાતના વિકાસ મોડેલને હવે દેશ અને દુનિયાના લોકોએ સફળતાના આગવા મોડેલ તરીકે સ્વીકાર્યું છે. આર્થિક વિકાસ માટે રાજકીય સ્થિરતા આવશ્યક છે, જે ગુજરાત 1995થી ધરાવે છે.  
મુખ્ય સચિવ પંકજ કુમારે વાયબ્રન્ટ સમિટ-ર0રર આત્મનિર્ભર ભારતના વડા પ્રધાનના વિઝનને સુસંગત થીમ સાથે યોજાઇ રહી છે તેની ભૂમિકા આપી હતી. તેમણે કહ્યું કે ધોલેરા એસઆઈઆર, ગિફટ સિટી જેવા વિશાળકાય પ્રોજકેટ રાજ્યના વિકાસના ચાલકબળ છે તો 33 લાખ જેટલા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઔદ્યોગિક એકમો તેના અર્થતંત્રની કરોડરજ્જુ છે.   
ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ વાયબ્રન્ટ સમિટની વિશેષતાઓ તેમ જ રાજ્યના સર્વગ્રાહી વિકાસની ગાથા પ્રેઝન્ટેશન દ્વારા પ્રસ્તુત કરી હતી.  
આ સમારોહમાં ઉદ્યોગ રાજ્ય પ્રધાન જગદીશ વિશ્વકર્મા, મુખ્ય પ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન તેમ જ વરિષ્ઠ સચિવો અને અગ્રણી ઉદ્યોગ સંચાલકો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
Published on: Fri, 03 Dec 2021

© 2022 Saurashtra Trust