વાયુ પ્રદૂષણ : સુપ્રીમ કોર્ટનું આખરીનામું

વાયુ પ્રદૂષણ : સુપ્રીમ કોર્ટનું આખરીનામું
24 કલાકમાં ઉપાય યોજનાની કેન્દ્ર અને દિલ્હી સરકારને તાકીદ
નવી દિલ્હી, તા. 2 : વાયુ પ્રદૂષણ મામલે વધુ એક વખત લાલઆંખ કરતાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેન્દ્ર તેમજ દિલ્હીની સરકારોને 24 કલાકમાં યોજના લાવવાનું આખરીનામું આપી દીધું હતું.
રાજધાનીમાં પ્રદૂષણ ગંભીર હદે વધી ગયું છે, તો શાળાઓ શા માટે ખુલ્લી રખાઇ છે તેવો સવાલ સુપ્રીમે કર્યા પછી તરત અરવિંદ કેજરીવાલ સરકારે દિલ્હીમાં તમામ શાળાઓ નવા આદેશ સુધી બંધ કરવાનો આદેશ આપ્યો હતો.
ટોચની અદાલતે એવો સવાલ કર્યો હતો કે, દિલ્હી સરકાર વયસ્કો માટે વર્ક ફ્રોમ હોમની સુવિધા આપી શકે છે, તો બાળકોને બળજબરીથી શાળાએ જવા માટે શા માટે મજબૂર કરાઇ રહ્યા છે.
કેન્દ્ર અને દિલ્હીની સરકારો પ્રદૂષણને રોકવા માટેનાં કોઇ પગલાં લઇ?શકતી નથી, તો અમે આ અંગે આદેશ આપીશું તેવું સુપ્રીમે કહ્યું હતું. સર્વોચ્ચ અદાલત આ મામલામાં આવતીકાલે શુક્રવારની સવારે 10 વાગ્યે સુનાવણી કરશે. એવું લાગે છે કે સરકારો કંઇ નથી કરતી તેવું કોર્ટે કહ્યું હતું. કેન્દ્ર સરકારે જવાબમાં જણાવ્યું હતું કે, નિર્ધારિત માપદંડોનું પાલન કરતા નથી તેવા ઉદ્યોગોને બંધ કરાવી દેવાયા છે. આ અંગે રાજ્ય સરકારોને જાણકારી આપી દેવાઇ છે. અમે ઔદ્યોગિક અને વાહનોનાં પ્રદૂષણ પર ગંભીર છીએ. તમે કોઇના ખભે રાખીને બંદૂક ન ચલાવી શકો. જાતે જ પગલાં લેવાં પડશે તેવું સુપ્રીમ કોર્ટે સરકારોને કહ્યું હતું.
Published on: Fri, 03 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer