વિપક્ષનું નેતૃત્વ કૉંગ્રેસનો દૈવી અધિકાર નથી

વિપક્ષનું નેતૃત્વ કૉંગ્રેસનો દૈવી અધિકાર નથી
દીદી-મોદીની લડાઈમાં કૉંગ્રેસ સાથે `ખેલા હોબે'
હવે પ્રશાંત કિશોરનો ગાંધી પરિવાર પર પ્રહાર
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 2 : તૃણમૂલ કૉંગ્રેસનાં પ્રમુખ મમતા બેનરજીએ મુંબઈમાં એનસીપીના પ્રમુખ શરદ પવાર સાથેની મુલાકાત અને રાહુલ ગાંધી પર આડકતરા પ્રહાર કર્યા બાદ તેમના નજીકના સહયોગી અને રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરે પણ રાહુલ ગાંધીના નેતૃત્વની મજાક ઉડાવી હતી. રાહુલ ગાંધીની ટીકા કરતાં પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે કૉંગ્રેસ છેલ્લાં દસ વર્ષમાં 90 ટકા કરતાં વધુ ચૂંટણી હારી ગઈ છે અને વિપક્ષનું નેતૃત્વ એ કૉંગ્રેસનો  `દૈવી અધિકાર' નથી.
પ્રશાંત કિશોરે ટ્વીટર પર જણાવ્યું હતું કે, જે વિચાર અને સ્થાનનું કૉંગ્રેસ પ્રતિનિધિત્વ કરે છે એ મજબૂત વિરોધ પક્ષ માટે મહત્ત્વપૂર્ણ છે, પરંતુ કૉંગ્રેસનું નેતૃત્વ પણ કોઈ વ્યક્તિનો દૈવી અધિકાર નથી, ખાસ કરીને જે પાર્ટી છેલ્લાં દસ વર્ષમાં 90 ટકાથી વધી ચૂંટણી હારી ગઈ હોય. વિરોધ પક્ષનું નેતૃત્વ લોકશાહી રીતે નક્કી થવા દો.એક રીતે મમતા બેનરજી સારી રીતે જાણે છે કે રાહુલ ગાંધી કૉંગ્રેસનું સંચાલન કરી રહ્યા છે અને આવતા વર્ષે પાર્ટીનું સુકાન સંભાળી લેશે. આથી તેમણે પહેલાંથી જ વિરોક્ષ પક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીનું નેતૃત્વ સ્વીકારવાની ના પાડી દીધી છે.
મમતા બેનરજીએ ગઈકાલે મુંબઈમાં જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિ કંઈ કરતી ન હોય અને અડધો સમય વિદેશમાં રહેતી હોય એ રાજકારણ કેવી રીતે કરશે? રાજકારણમાં નિરંતર પ્રયાસ જરૂરી છે. તમે મોજમજા કરવા વિદેશ જશો તો લોકો તમારા પર વિશ્વાસ કેવી રીતે કરશે? મમતા બેનરજીએ શરદ પવાર સાથેની મુલાકાત બાદ જણાવ્યું હતું કે યુપીએનું હવે અસ્તિત્વ જ નથી. મમતા બેનરજી હવે મુખ્ય વિપક્ષી નેતાનો ચહેરો બનવાની વ્યૂહરચના કરી રહ્યા છે અને પ્રશાંત કિશોરનું આ નિવેદન એના ભાગરૂપે હોવાનું રાજકીય નિરીક્ષકોનું માનવું છે. વર્ષ 2024માં લોકસભાની ચૂંટણીમાં મોદી સામે પડકાર બનવા દીદી તૈયારી કરી રહ્યાં છે અને વિપક્ષમાં કૉંગ્રેસનું વર્ચસ એમને મંજૂર નથી એવું બતાડવા માગે છે. કૉંગ્રેસના અસંતુષ્ટ જી-23 નેતાઓમાંના ગુલાબ નબી આઝાદે બુધવારે પુંચમાં એક રૅલીને સંબોધન કરતાં જણાવ્યું હતું કે 2024ની સામાન્ય ચૂંટણીમાં કૉંગ્રેસ 300 બેઠક જીતે એવું તેમને લાગતું નથી.
કૉંગ્રેસ પર મમતા બેનરજીના સીધા હુમલાના વળતા પ્રહારમાં કૉંગ્રેસનાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે કૉંગ્રેસના સમાવેશ વગર ભાજપ વિરોધી મોર્ચો શક્ય નથી. કૉંગ્રેસના મહાસચિવ કે. સી. વેણુગોપાલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે ભારતીય રાજકારણની હકીકતથી બધા વાકેફ છે. કૉંગ્રેસ વગર ભાજપને હરાવવો એ ફક્ત એક સપનું છે. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન કપિલ સિબલે ટવીટર પર જણાવ્યું હતું કે એક સદી જૂની કૉંગ્રેસ પાર્ટી વગરનો યુપીએ મોરચે આત્મા વગરના શરીર જેવો હશે. હાલમાં ભાજપના જોરને ખાળવા વિપક્ષી એકતા દર્શાવવાનો સમય છે.
Published on: Fri, 03 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer