સાવધાન ! ઓમિક્રોનનો ભારતમાં પગપેસારો

સાવધાન ! ઓમિક્રોનનો ભારતમાં પગપેસારો
કર્ણાટકમાં બે કેસ નોંધાયાની આરોગ્ય મંત્રાલયની પુષ્ટિ
નવી દિલ્હી, તા.2: દુનિયાભરને ફરીથી ભયના ઓથારમાં ગરક કરી દેનાર કોરોનાના વધુ ચેપી અને ખતરનાક રૂપ ઓમિક્રોને ભારતમાં પણ પગપેસારો કરી લીધો છે. કર્ણાટકમાં ઓમિક્રોન સંક્રમણના બે કેસ સામે આવ્યા છે. આ બન્ને દર્દી 66 અને 46 વર્ષની વયના પુરુષ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે આની અધિકૃત જાણકારી અને પુષ્ટિ આપી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા અનુસાર દર્દીઓની ગોપનિયતાની રક્ષા ધ્યાને રાખીને તેમની ઓળખનો ખુલાસો કરવામાં નહીં આવે. અગ્રવાલે આગળ જણાવ્યું હતું કે, બન્ને દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની જાણકારીઓ પણ મેળવી લેવામાં આવી છે. તેમનાં પણ પરીક્ષણો કરવામાં આવી રહ્યાં છે.
અગ્રવાલે આગળ કહ્યું હતું કે, ઓમિક્રોનનાં સંક્રમણની જાણકારી મળ્યા બાદ પણ ગભરાવાની આવશ્યકતા નથી. જાગૃતિ બેહદ જરૂરી છે. કોરોના અનુરૂપ વ્યવહારનું પાલન કરવું જોઈએ. ભીડથી બચવું જોઈએ અને શારીરિક અંતર જાળવી રાખવું અનિવાર્ય છે. અત્યાર સુધી ઓમિક્રોન સંબંધિત કેસોમાં હળવા લક્ષણો જ જણાયા છે. દેશ કે દુનિયામાં હજી સુધી ગંભીર લક્ષણોવાળા દર્દી સામે આવ્યા નથી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન આના સંબંધિત જાણકારીઓનું અધ્યયન કરી રહ્યું છે. 
ઉલ્લેખનીય છે કે આ ખતરનાક ચેપી વાયરસ સૌપ્રથમ દક્ષિણ આફ્રિકામાં દેખાયો હતો અને અત્યાર સુધીમાં 29 જેટલા દેશોમાં ફેલાઈ ગયો છે. દુનિયામાં અત્યાર સુધીમાં આના કુલ 373 કેસ સામે આવેલા છે. ભારત સરકારે આનો પ્રસાર રોકવા માટે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે સખતાઈભર્યા નિયમો લાગુ કરેલા છે. ઉલ્લેખનીય છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા ઓમિક્રોનને ચિંતાજનક વેરિએન્ટ ઠરાવેલો છે. જેની સામે બેદરકારી ફરી એકવાર દુનિયાને દોજખ બનાવી શકે તેમ છે.
Published on: Fri, 03 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer