હવે ભારત ભણી વાવાઝોડું જવાદ

હવે ભારત ભણી વાવાઝોડું જવાદ
વડા પ્રધાને યોજી ઉચ્ચ સ્તરીય બેઠક
3-4 ડિસેમ્બરે આંધ્ર પ્રદેશ, ઓડિશા, બંગાળમાં ઍલર્ટ : ગુજરાત, મહારાષ્ટ્રમાં સાવચેતી : એનડીઆરએફની 33 ટીમ તહેનાત, 95 ટ્રેનો રદ
નવી દિલ્હી, તા.ર : દેશના અનેક ભાગોમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદ વરસી રહ્યો છે તેવા સમયે ભારત પર ફરી એકવાર ચક્રવાતી વાવાઝોડાનો ખતરો મંડરાયો છે. થાઈલેન્ડના સમુદ્રમાં એક ચક્રવાત ઉઠયો છે જેને `જવાદ' (સાઉદી અરબે આપેલું નામ, અર્થ દયાળુ) નામ આપવામાં આવ્યુ છે. 4 ડિસેમ્બરે આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના કિનારે આ વાવાઝોડુ ત્રાટકી શકે તેવી ચેતવણી આપવામાં આવી છે. બંગાળ પણ આ વાવાઝોડાની રેન્જમાં છે. પશ્ચિમ કાંઠામાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં તેની હળવી અસર જોવા મળી શકે છે.
સંભવિત ખતરાને ધ્યાને લઈ વડાપ્રધાન મોદીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી તૈયારીઓની સમીક્ષા કરી હતી. એનડીઆરએફની 33 ટીમ કિનારાના ક્ષેત્રોમાં તૈનાત કરવામાં આવ્યાનું એનડીઆરએફના ડીજી અતુલ કરવલે જણાવ્યું હતું. ખતરાવાળા સ્થળોએથી નાગરિકોનું મોટાપાયે સ્થળાંતર કરવામાં આવી રહ્યુ છે. રેલવેએ મુસાફરોની સલામતી ધ્યાને લઈ તા.3-4 ડિસે.9પ ટ્રેનો રદ્ કરી છે. ઓરિસ્સાના કિનારે 160 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી હવામાન વિભાગે આપી છે.
ચક્રવાતી વાવાઝોડાની શુક્રવારે સાંજથી ભારતના કિનારાઓ પર અસર જોવા મળી શકે છે. આંદામાન સાગરથી તે આગળ પહોંચી ચૂક્યુ છે. ચોમાસા બાદ આ પહેલું ચક્રવાતી વાવાઝોડુ છે જે ભારતમાં શનિવારે ત્રાટકી શકે છે. હવામાન વિભાગ અનુસાર 3 ડિસે. જવાદ બંગાળની ખાડીમાં પહોંચે તેવી સંભાવના છે. દરમિયાન 117 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આંધ્રપ્રદેશ, ઓડિશા અને પ.બંગાળના કિનારાના ક્ષેત્રોમાં ભારે વરસાદની સંભાવના છે. ઉપરાંત ગુજરાત, મહારાષ્ટ્ર સહિત પશ્ચિમી રાજ્યોમાં સાવચેતીરૂપ પગલાં લેવામાં આવી રહ્યા છે. માછીમારોને હાલ દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. જો કે જવાદ વિનાશ વેરે તેવી સંભાવના નથી. પ.બંગાળનો કિનારો પાર કર્યા બાદ ઝારખંડના ધનબાદ થઈ મેદાની વિસ્તારોમાં તે શમી શકે છે.
Published on: Fri, 03 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer