આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર કરવા ગુજરાત પ્રતિબદ્ધ : ભૂપેન્દ્ર પટેલ

આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર કરવા ગુજરાત પ્રતિબદ્ધ : ભૂપેન્દ્ર પટેલ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 2 :  આત્મનિર્ભર ભારતનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન સાકાર કરવા ગુજરાત પ્રતિબદ્ધ છે એમ કહીને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે દેશ-વિદેશના ઉદ્યોગપતિઓને `આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તરફ'ની વિકાસયાત્રામાં સહભાગી બનવા તેમ જ જાન્યુઆરી 2022માં આયોજિત 10મી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ આપ્યું હતું.  
મુખ્ય પ્રધાને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિની પૂર્વસંધ્યાએ અત્રે એક ઉચ્ચ સ્તરીય સમારોહમાં વેપાર-ઉદ્યોગ જગતના અગ્રણીઓ, વિદેશી રાષ્ટ્રોના રાજદૂતો અને પ્રતિનિધિઓ અને તેમ જ પ્રસાર માધ્યમોને સંબોધતાં કહ્યું હતું કે દેશ અને દુનિયાના અગ્રણી વેપારીઓ અને ઉદ્યોગપતિઓ માટે ગુજરાત રોકાણ માટેનું સૌથી મનપસંદ સ્થળ છે. 
કોરોના પછી અન્ય દેશોમાં સ્થળાંતર કરવા ઇચ્છતા ઉદ્યોગોને અનુકૂળ એવી ઉદ્યોગનીતિ તેમ જ ઈ-વેહિકલ નીતિ, સૌર ઊર્જા નીતિ, કાપડ નીતિ જેવી ક્ષેત્રવિશેષ નીતિઓ દ્વારા ગુજરાત દેશ અને દુનિયાના ઉદ્યોગોને આવકારવા આતુર છે, એમ કહીને તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા અઢી દાયકાથી ગુજરાત રાજકીય સ્થિરતા, વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સર્વાંગીણ વિકાસને માટે સાનુકૂળ એવા વાતાવરણ વડે સમગ્ર દેશ માટે વિકાસનો આદર્શ બન્યું છે. સર્વસમાવેશક સર્વગ્રાહી વિકાસ માટેની સંપૂર્ણ ઇકોસિસ્ટમ ગુજરાત ધરાવે છે.   
મુખ્ય પ્રધાને વધુમાં જણાવ્યું કે સાતત્યપૂર્ણ સામાજિક-આર્થિક વિકાસને બળ આપવા નેક્સ્ટ જનરેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઊર્જા અને અને ડિજિટલ નેટવર્ક, ઈમર્જિંગ ટેક્નૉલૉજી, ફિનટેક, સ્ટાર્ટ-અપ અને ઈનોવેશન, ઈ-વ્હીકલ, સંશોધન અને વિકાસ, જ્ઞાનનું આદાનપ્રદાન, નિકાસ, પ્રવાસન અને નાણાકીય સેવાઓ જેવાં ક્ષેત્રોમાં વધુ મૂડીરોકાણ મેળવવાની ગુજરાત સરકારની નેમ છે. 
તમે અત્યાર સુધી ગુજરાતના ગિફ્ટ સિટીની મુલાકાત ન લીધી હોય તો હવે જરૂર લેશો એમ કહીને મુખ્ય પ્રધાને નાણાં સંસ્થાઓ, નાણાકીય કંપનીઓ અને સ્ટાર્ટ-અપ્સને ગુજરાતના ગિફટ સિટીમાં રોકાણ અને ધંધા માટે આવવા આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું કે ગાંધીનગરથી સાત કિલોમીટર દૂર સાબરમતીને કિનારે 886 એકરમાં ફેલાયેલું ગિફ્ટ સિટી દેશના પ્રથમ નવસ્થાપિત સુગ્રથિત શહેર તરીકે ઊભરી રહ્યું છે. ગિફ્ટ સિટી ભારતનું પ્રથમ અને એકમાત્ર નાણાકીય સેવા કેન્દ્ર છે જ્યાં બસોથી વધુ બૅન્કો, સ્ટૉક એક્સ્ચેન્જો અને નાણાકીય કંપનીઓએ તેમના આંતરરાષ્ટ્રીય કામકાજ માટે અૉફિસો સ્થાપી છે. 
મુખ્ય પ્રધાને કહ્યું કે ર003માં તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની પહેલથી શરૂ થયેલી વાયબ્રન્ટ સમિટ હવે ગુજરાતની વૈશ્વિક બ્રાન્ડ ઇમેજ બની ગઇ છે. પહેલાં વાયબ્રન્ટ સમિટમાં ગુજરાતમાં મૂડીરોકાણની ચર્ચા થતી હતી, પણ હવે અહીં રોકાણની સાથેસાથે વિશ્વની સમસ્યાઓ, તેના સમાધાન અને વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ અવસરોનું ચિંતન-મંથન પણ થાય છે. નેટવર્કિંગ અને જ્ઞાનનું આદાનપ્રદાન પણ થાય છે. 
તેમણે કહ્યું કે આ ઇવેન્ટના માધ્યમથી આખી દુનિયા જાણી ગઈ છે કે ગુજરાતે વિશ્વકક્ષાનું રાજ્ય બનવા માટે નક્કર કદમ ભર્યાં છે. આ જ વિરાસતને આગળ ધપાવી ગુજરાત સરકારે વાયબ્રન્ટ સમિટ-2022નું આયોજન કર્યું છે.  
Published on: Fri, 03 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer