ઈસ મોડ સે જાતે હૈમાં હિતેશ ભારદ્વાજ અને અક્ષિતા મુદગલની જોડી

ઈસ મોડ સે જાતે હૈમાં હિતેશ ભારદ્વાજ અને અક્ષિતા મુદગલની જોડી
પતિ કરતાં વધુ સફળ થયેલી પત્નીને લીધે લગ્નજીવન કઈ દિશામાં આગળ વધે છે તે વિચાર સાથે ઝી ટીવી પર નવી સિરિયલ ઈસ મોડ સે જાતે હૈ સિરિયલ છઠ્ઠી ડિસેમ્બરથી સોમથી શનિ સાંજના 6.30 વાગ્યે શરૂ થશે. આ કાલ્પનિક સિરિયલમાં પરાગી પરાશર અને સંજય પાઠકની વાર્તા છે. આ બંને સંયુક્ત રીતે આઈએએસ અધિકારી બનવાના લક્ષ્યાંક તરફ આગળ વધે છે. પરાગી સારા માર્ક સાથે પાસ થાય છે, જ્યારે સંજય અટકી જાય છે. ત્યારબાદ તેમના જીવનમાં શું થાય છે તે જોવું રસપ્રદ બની રહેશે. 
ટીવી અભિનેત્રી પરાગી સ્માર્ટ વિનોદી અને ભણેશરી પરાગીનું પાત્ર ભજવે છે. જયારે સંજયના પાત્રમાં હિતેશ ભારદ્વાજ છે. અક્ષિતાએ જણાવ્યું હતું કે, મને લાગે છે કે પરાગીનું પાત્ર મારા માટે જ બન્યું છે. આ પાત્ર મારા વાસ્તવિક જીવન કરતાં ઘણું અલગ છે પણ એક સામ્યતા એ છે કે અમે જાતીય સમાનતામાં માનીએ છીએ. મહિલા તેના પતિ કરતાં વધુ સફળતા મેળવે તો તેની ટીકા શા માટે કરવામાં આવે છે? પુરુષના અહ્મને પોષવા મહિલાએ પોતાની વૃદ્ધિ પર બ્રેક મારવી જરૂરી છે? પરાગી આવી જૂની વિચારસરણી સામે સવાલ ઉઠાવે છે.
હિતેશે ઉમેર્યું હતું કે, સંજય મહેનતુ, આદરણીય અને દરેક માટે સમાન તકમાં માનતો પુરુષ છે. તે મહિલાઓને તેમના સપના સાકાર કરવામાં મદદ કરે છે. સિરિયલ આગળ વધતી જશે, એમ દર્શકોના દિલ જીતી લેશે. બધાને પરાગી અને સંજયની કેમિસ્ટ્રી ગમશે. 
Published on: Sat, 04 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer