નામ તો સુના હો હોગા... યાદવ, જયંત યાદવ

નામ તો સુના હો હોગા... યાદવ, જયંત યાદવ
જયંત યાદવને બીજી ટેસ્ટમાં ઈજાગ્રસ્ત રવીન્દ્ર જાડેજાને બદલે ટીમમાં સમાવવામાં આવ્યો. છેલ્લે 2017માં તે પહેલી અને છેલ્લીવાર ટીમ ઈન્ડિયા માટે રમ્યો. જોકે, જયંત જેવું જ્વલંત પદાર્પણ બહુ ઓછા ક્રિકેટરોના નસીબમાં હોય છે. ઈંગ્લૅન્ડ સામે 2016ની શ્રેણીની પહેલી જ ટેસ્ટમાં ચાર વિકેટ લેવા ઉપરાંત જયંતે બે દાવમાં નવમા ક્રમે બાટિંગ કરતા અનુક્રમે 35 અને 27 રન બનાવ્યા. બીજી ટેસ્ટમાં રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજા પહેલાં તેને બાલિંગ આપવામાં આવી અને એ મૅચમાં પણ ચાર વિકેટો ખેરવી અને પહેલા દાવમાં પંચાવન રન ખડક્યા. શ્રેણીની ત્રીજી ટેસ્ટ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં હતી અને યાદવે આ મૅચને યાદગાર બનાવતાં નંબર નાઈન બૅટ્સમૅન તરીકે રમીને સદી ફટકારીને આ ક્રમે સદી કરનાર પ્રથમ ભારતીય ખેલાડી તરીકેનો વિક્રમ પોતાનાં નામે કર્યો. એટલું જ નહીં, વિરાટ કોહલી સાથે 241 રનની ભાગીદારી કરી. પહેલી જ શ્રેણીમાં અૉલરાઉન્ડર તરીકે પોતાની જોરદાર છાપ છોડ્યા બાદ વધુ એક મૅચ રમ્યા પછી જયંતને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શક્યું નહીં. અૉસ્ટ્રેલિયા સામે પુણેમાં રમાયેલી એ મૅચ જયંતની છેલ્લી ટેસ્ટ હતી. હવે મુંબઈમાં ફરી તેને તક મળી છે અને જે રીતે મુંબઈમાં જન્મેલા ન્યૂ ઝીલૅન્ડના સ્પિનર એજાઝ પટેલે ભારતીય ટીમને મિની ધબડકો કર્યો એ જોતાં પીચ અને પરિસ્થિતિને કારણે જયંતને મળેલી તક ફરી એકવાર તેને હીરો બનાવી શકે એમ છે. જોકે, જાડેજા ફિટ થયા બાદ તેની પસંદગી ફરી ક્યારે થશે એ બહુ મોટો કોયડો છે. 
Published on: Sat, 04 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer