ટેસ્ટ મૅચ દો... કપ્તાન ચાર... ઈતિહાસ બન ગયા યાર

ટેસ્ટ મૅચ દો... કપ્તાન ચાર... ઈતિહાસ બન ગયા યાર
બીજી ટેસ્ટ મૅચ શરૂ થવાના બે દિવસ પહેલાં મુંબઈમાં પડેલા વરસાદને પગલે વાનખેડે સ્ટેડિયમના આઉટફિલ્ડ, ખાસ કરીને બૉલરોના રન-અપનો ભાગ ભીનો હોવાથી મૅચના પ્રથમ દિવસનો પોણા બે કલાક જેટલો સમય ધોવાઈ ગયો. જોકે, તડકો નીકળ્યા બાદ અને ટૉસ જીતી બાટિંગ કરવા ઉતરેલા ભારતીય અૉપનરોએ મહેમાન બૉલરોની બરાબર ખબર લીધી એ પહેલાં જવલ્લેજ બનતી એક ઘટના બની. ઈજાને કારણે ન્યૂ ઝીલૅન્ડના નિયમિત સુકાની કેન વિલિયમસનને બહાર બેસવું પડ્યું અને ટીમનું સુકાન ટૉમ લાથમને સોંપાયું. તો, ટીમ ઈન્ડિયાના રેગ્યુલર કૅપ્ટન વિરાટ કોહલીએ કમબેક કર્યું અને કાનપુર ટેસ્ટમાં ભારતના કર્ણધાર આજિંક્ય રહાણે ઈજાને કારણે ટીમમાંથી આઉટ થયો. ટૂંકમાં, બંને ટીમોએ બે ટેસ્ટની શ્રેણીમાં બે-બે કૅપ્ટનોના માર્ગદર્શન હેઠળ રમવાનું થયું. બે ટેસ્ટ મૅચની શ્રેણીમાં બંને ટીમોએ સંયુક્તપણે ચાર સુકાનીનો ઉપયોગ કર્યો હોય એવી ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં બીજી જ ઘટના છે. આ પહેલા 1888-89માં (130 વર્ષ પહેલાં) દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લૅન્ડ વચ્ચે રમાયેલી બે ટેસ્ટની શ્રેણીમાં આવું થયું હતું. પ્રવાસી ટીમે યજમાનોને બે મૅચની શ્રેણીમાં 2-0થી હાર આપી હતી. એ વખતે પૉર્ટ એલિઝાબેથમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં ગૃહ ટીમનું સુકાન અૉવેન ડનેલે સંભાળ્યું હતું અને મહેમાનોના કર્ણધાર ઓબ્રે સ્મિથ હતા. તો બીજી ટેસ્ટ મૅચ કૅપ ટાઉનમાં રમાઈ ત્યારે બંને ટીમોએ સુકાનીઓ બદલ્યા હતા. દક્ષિણ આફ્રિકાનું નેતૃત્વ વિલિયમ મિટોને કર્યું હતું તો ઈંગ્લૅન્ડની કૅપ્ટન્સી મૉન્ટી બાઉડના હાથમાં હતી. મૉડર્ન ક્રિકેટમાં આ પહેલીવાર એવું થયું છે કે, બે ટેસ્ટ મૅચની શ્રેણીમાં બંને ટીમો બંને મૅચમાં અલગ-અલગ સુકાની સાથે મેદાનમાં ઊતરી હોય. 
Published on: Sat, 04 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer