એજાઝની પાર્ટી બાદ મયંકની ઉજવણી

એજાઝની પાર્ટી બાદ મયંકની ઉજવણી
સંગીન શરૂઆત બાદ ગિલ, પૂજારા અને કોહલીની વિકેટથી ગમગીની; અૉપનર અગરવાલ અને વિકેટકીપર સહાએ ભારતની ડામાડોળ નૌકાને સ્થિર કરી; એજાઝની ચાર વિકેટો; 120 રન સાથે મયંક અણનમ
આશિષ ભીન્ડે તરફથી 
મુંબઈ, તા.3 : આને નસીબનો ખેલ કહો કે ખેલમાં નસીબની બલિહારી ગણો. પહેલી ટેસ્ટના બંને દાવમાં નિષ્ફળ ગયા બાદ જેના મુંબઈ ટેસ્ટમાં રમવા સામે જ મોટો પ્રશ્નાર્થ હતો એ મયંક અગરવાલ પહેલા દિવસના રમતના અંતે અઢીસો જેટલા બૉલનો સામનો કરી 120 રને અણનમ છે અને ટીમમાં પાછા ફરી રહેલા સુકાની વિરાટ કોહલીને સમાવવા માટે અન્ય કોઈ ખેલાડીને સાઈડ ટ્રેક કરવો પડ્યો, પણ કૅપ્ટન માત્ર ચાર દડા રમી અમ્પાયારિંગ  બ્લન્ડરનો ભોગ બની શૂન્ય રને તંબુભેગો થઈ ગયો. એમ તો, વૃદ્ધિમાન સહાને ટીમમાં રાખવો કે કેમ એ અંગે અવઢવ હતી, પણ તેણે ટીમનો ધબડકો થતો અટકાવ્યો અને ટેસ્ટ ટીમમાં જે શ્યૉર શૉટ હોવો જ જોઈએ એ ચેતેશ્વર પૂજારા એવો શૉટ રમ્યો જે રમવાનું તે કદાચ સપનામાં પણ વિચાર ન કરે. અને આ બધું વરસાદના પગલે ભીની આઉટફિલ્ડને કારણે આશરે વીસેક અૉવરની બલિ ચડ્યા બાદ થયું. 70 અૉવરમાં ભારતના ચાર વિકેટના ભોગે 221 રનનો આંકડો દિવસના અંતે આશ્વાસન આપનારો તો ખરો જ અને આ જુમલામાં અડધાથી વધુ રન એકલા મયંક અગરવાલે કર્યા છે, જેમ ન્યૂ ઝીલૅન્ડ વતી એજાઝ પટેલે 70માંથી 29 અૉવર નાખી ચાર વિકેટો મેળવી છે. આમ, મુંબઈ ટેસ્ટના પહેલા દિવસે બંને ટીમના એક-એક ખેલાડી ક્લીયર વિનર સાબિત થયા છે અને મૅચ રસપ્રદ તબક્કામાં છે. 
પહેલા દિવસનું પહેલું સત્ર તો મેદાન પરની ભીનાશને કારણે ધોવાઈ ગયું, તડકો નીકળ્યો અને વહેલો લંચ લેવાયા બાદ શુભમન ગિલ અને મયંક અગરવાલ મેદાનમાં ઉતર્યા અને જાણે કે ગુમાવેલા સમયનું સાટું વાળતા હોય એમ રનની ગતિ ઊંચી રાખી રમ્યા. ગિલે સામનો કરેલા પહેલા છ બૉલમાં ત્રણ ચોગ્ગા ફટકારવા સાથે પોતાના ઈરાદા અને વાનખેડેની પીચનાં લક્ષણો સ્પષ્ટ કરી દીધાં. સ્પિનર વિલ સોમરવિલેને 16 બૉલમાં 19 રન ઝૂડી કાઢી આજે શુભમનના મનમાં બૉલરો માટે કોઈ માન કે દયા નથી એ સ્પષ્ટ થઈ ગયું. 27 અૉવરમાં આ જોડીએ 80 રનની ભાગીદારી કરી અને ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં લાગવા માંડી. પણ પછી 28મી અૉવરમાં ગિલે સ્પિનર એજાઝની ખબર લઈ નાખવાનું મન બનાવ્યું અને એક લલચામણા બૉલમાં આગળ આવીને મારવાના પ્રયાસમાં બૉલ ચૂકી ગયો. જોકે, વિકેટકીપરે સ્ટમ્પિંગની એ તકને સાવ વેડફી નાખી. પણ પછી તેણે મળેલું જીવતદાન રોળી નાખ્યું અને એ પછીના બૉલ પર જ પહેલી સ્લિપમાં રોસ ટેલરને કૅચ આપી બેઠો હતો. 71 બૉલમાં સાત ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 44 રન કરી ગિલ આઉટ થયો હતો. 
 એ પછીની એજાઝની ઓવર ભારત માટે વધુ બે ઝટકા લઈને આવી. દાવની એ 30મી અૉવરના પહેલા જ દડે ચેતેશ્વર પૂજારા એલબીડબ્લ્યુ આઉટ આપવા માટે જબરદસ્ત અપીલ થઈ અને ડીઆરએસનો ઉપયોગ થયો. બૉલ સ્ટમ્પને લાગતો ન હોવાનું બૉલ ટ્રાકિંગમાં સ્પષ્ટ થયું અને પૂજારા બચી ગયો. પણ એ પછીના દડે પૂજારાએ આક્રમક ફટકો મારવાના પ્રયાસમાં બૉલ્ડ થયો. લેગ સ્ટમ્પ પર નખાયેલો એ દડો અૉફ્ફ સ્ટમ્પને લાગ્યો હતો. હજી તો આ ઝટકાની કળ વળે એ પહેલાં છેલ્લા દડે કોહલીને અમ્પાયરે લેગ બિફૉર વિકેટ આઉટ આપ્યો. પૅડને ટકરાતા પહેલા દડો બેટની ધારને અડીને ગયો હોવાની પૂર્ણ ખાતરી સાથે કોહલીએ રિવ્યુ લીધો પણ વારંવાર રિપ્લે જોયા બાદ અને સ્નિકોમીટર પર અસ્પષ્ટ હલચલ દેખાયા છતાં થર્ડ અમ્પાયરે કોહલીને આઉટ જાહેર કર્યો. ભારતના બારે વહાણ ડૂબી જવા જેવી પરિસ્થિતિ ઊભી થઈ. ચાના વિરામ બાદ અગરવાલ જાણે કે આ બે વિકેટોનો બદલો લેતો હોય એ રીતે પહેલા એજાઝને લાગલગાટ બાઉન્ડરીઓ ફટકારી અને પછી સોમરવિલને બેક-ટુ-બેક ચોગ્ગા ફટકારવા સાથે દસ ઓવરમાં ભારતીય બૅટ્સમૅનોએ 45 રન ઝૂડી કાઢ્યા, આમાંથી 33 તો એકલા મયંકના હતા. એજાઝના ટર્ન લેતા ઉછળેલા દડાએ ઐય્યરને 18 રને પેવેલિયન ભેગો કર્યો ત્યારે વધુ એકવાર ભારતનો ધબડકો થવાનાં એંધાણ દેખાવા લાગ્યા. પણ સહા અને અગરવાલે ન માત્ર ગઢ સાચવ્યો બલકે રન પણ કર્યા. અગરવાલે કારકિર્દીની ચોથી સદી ફટકારી અને કુલ ચાર છગ્ગા અને 14 ચોગ્ગા સાથે અણનમ 120 રને તે દાવમાં છે. તો 53 બૉલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગા સાથે 25 રને વિકેટકીપર સહા તેની સાથે છે. સંગીન શરૂઆત બાદ, ગમગીની અને અંતે ફરી નક્કર બાટિંગથી ભારતનો હાથ પહેલા દિવસે ઉપર રહ્યો એમ કહી શકાય.      
Published on: Sat, 04 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer