બૅન્કો દ્વારા પર્સનલ ગેરન્ટીનો વપરાશ નાના ઉદ્યોગોમાં ભય ફેલાવી રહ્યો છે

બૅન્કો સહકાર નહીં આપે તો ધંધા બંધ કરવા પડશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 3 : બૅન્કો પર્સનલ ગેરંટી કલમનો વપરાશ કરીને પ્રમોટરો કે ગેરંટરોની એસેટ્સ પર કબજો જમાવી શકે અને એ રીતે પોતાના પૈસા પાછા મેળવી શકે એ મુજબનો ચુકાદો સુપ્રીમ કોર્ટે તાજેતરમાં આપતા નાના ઔદ્યોગિક એકમો કચડાઈ જાય એવી શક્યતા રહે છે. આ ચુકાદાને કારણે નાના એકમોમાં ભયની લાગણી ઊભી થઈ છે, એમ આ વિષયના નિષ્ણાત વિશ્વાસ પાનસેનું માનવું છે. સુપ્રીમ કોર્ટે લલિત કુમાર જૈન વિરુદ્ધ યુનિયન અૉફ ઇન્ડિયા કેસમાં 21 મે 2021 ના રોજ આ ચુકાદો આપ્યો હતો. 
ઈંસોલ્વન્સી ઍન્ડ બૅન્કરપ્સી કોડમાં પર્સનલ ઈંસોલ્વન્સી જોગવાઈ નીચે સપ્ટેમ્બર 2021 સુધીમાં કુલ 201 કેસો નોંધાયા છે, જયારે 17 કેસો દેવાદારોએ સ્વેચ્છાએ ફાઈલ કર્યા છે. 
પાનસેનું કહેવું છે કે પ્રમોટરો માટે નફો કરવો મુખ્ય હેતુ હોય છે પણ એ પ્રક્રિયામાં તેઓ રાષ્ટ્રીય અસ્ક્યામતો બનાવે છે, રોજગારીનું સર્જન કરે છે, દેશની જીડીપીમાં ફાળો આપે છે અને વિવિધ કરવેરા ભરીને સરકારની આવક વધારે છે. 
પ્રમોટર પોતાના કર્મચારીઓ માટે સામાજિક સુરક્ષા ઊભી કરે છે પણ કોવિડ 19 જેવી પરિસ્થિતિમાં ધંધા પર પડતી અસર સામે તેને કોઈ સુરક્ષા મળતી નથી, એમ પાનસેએ `વ્યાપાર'ને કહ્યું હતું. 
નાના ઉદ્યોગોના પ્રમોટરો તેમના ખાતાને એનપીએ બનતા રોકવા માટે બધા પ્રયત્નો કરે છે અને ગમે એમ કરીને નાણાં ઊભા કરે છે પરંતુ બૅન્કોના સહકારના અભાવમાં તેણે ધંધો બંધ કરવો પડે છે. 
તો શું એનાથી બેરોજગારી વધતી નથી? આ રાષ્ટ્રીય ખોટ નથી? ઉત્પાદક અસ્ક્યામતોને ભંગાર બનાવીને બૅન્કો જીડીપીને વધતી અટકાવે છે. આમ આવો અભિગમ આખા દેશને નુકસાન કરે છે, એમ પાનસેએ કહ્યું હતું. 
આવું ચાલશે તો નવી પેઢી કોઈ ધંધો જ નહિ કરે અને હવે કોઈ ગેરંટી આપવા રાજી નહિ થાય. સરકાર, નાણાં મંત્રાલય અને અદાલતોને હું વિનંતી કરું છું કે આના પરિણામો વિષે મોકળા મને વિચાર કરે.
Published on: Sat, 04 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer