28 વિદેશીનાં સેમ્પલ્સ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાયાં

મુંબઈ, તા. 3 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ શુક્રવારે પોતાના વતન જાલનામાં કહ્યું હતું કે ગયા મહિને હાઈ રિસ્ક દેશોમાંથી આવેલા 28 વિદેશીનાં સેમ્પલ્સ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યાં છે. આમાંથી આઠનો ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ વિદેશીઓને કોરોનાનો જોખમી વિષાણુ ઓમિક્રોન લાગુ પડ્યો છે કે કેમ એ જાણવા તેમના સેમ્પલ્સનું જીનોમ સિક્વન્સિંગ કરાશે. 
તેમણે કહ્યું હતું કે જીનોમ સિક્વન્સિંગના રિઝલ્ટ એક-બે દિવસમાં આવી જશે અને જો આ 28માંથી કોઈને ઓમિક્રોન વિષાણુ લાગુ પડ્યો હશે તો શું પગલાં લેવાં એ પછી નક્કી કરાશે. 10થી 30 નવેમ્બર વચ્ચે કમસે 2868 વિદેશી મહારાષ્ટ્રમાં આવેલા. આમાંથી 485 વિદેશીની કોરોના ટેસ્ટ કરાઈ છે અને એમાં આઠના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. પોઝિટિવ વિદેશીઓને અલગ પાડી દેવાની સૂચના આપવામાં આવી છે. આ લોકોને કોરોનાના દરદીઓથી પણ દૂર રાખવામાં આવી રહ્યા છે. નવા વિષાણુ વિશે અમારી પાસે વધુ માહિતી ન હોવાથી અમે આ પગલાં ભરી રહ્યાં છીએ. 
ભારતમાં ઓમિક્રોન વાયરસના બે કન્ફર્મ કેસ અત્યાર સુધી મળ્યા છે અને એ બન્ને કેસ કર્ણાટકમાંથી મળ્યા છે.
Published on: Sat, 04 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer