ઓમિક્રોનથી ગભરાવવાની જરૂર નથી : એક્સપર્ટ

મુંબઈ, તા. 3 (પીટીઆઈ) : મહારાષ્ટ્ર સરકારના કોવિડ-19 ટાસ્ક ફોર્સના એક સભ્યએ કહ્યું હતું કે કોરોનાના નવા જોખમી વિષાણુ ઓમિક્રોનનો સામનો કરવા સતર્ક્તા, જીનોમ સિક્વન્સિગ અને રાજ્યની સીમા પર ચાંપતી નજર વધારવાનું અને રસીકરણને વેગ આપવાનું જરૂરી છે. એ ઉપરાંત લોકોએ માસ્ક પહેરવાનું તો ચાલુ જ રાખવું જોઈએ. 
ટાસ્ક ફોર્સમાં મેમ્બર અને મુંબઈની એક હૉસ્પિટલમાં ચેપી રોગના કન્સલટન્ટ ડૉ. વસંત નાગ્વેકરે એક નિવેદનમાં કહ્યું હતું કે, ઓમિક્રોન વિષાણુ ચિતાનો વિષય છે, પણ આ નવા વિષાણુથી ગભરાવવાની સહેજે જરૂર નથી. અત્યારે સતર્ક રહેવાની ખાસ જરૂર છે. આ વિષાણુના 50 મ્યુટેશન્સ થયા છે અને એનો ચેપ ઝડપથી ફેલાઈ શકે છે અને રોગ પ્રતિકાર શક્તિ પણ એની સામે કામ નહીં આવે એવું કહેવાય છે. જોકે, આ વિષાણુ બહુ ચેપી છે એના કોઈ પુરાવા મળ્યા નથી. જ્યાં આ વાઈરસ શોધાયો છે એ સાઉથ આફ્રિકામાંથી અત્યાર સુધી જે માહિતી આવી છે એ મુજબ આ વિષાણુ મધ્યમ દરજ્જાનો ચેપ ફેલાવે છે. 
તેમણે કહ્યું હતું કે, આ વિષાણુ હવે સ્થિર થઈ ગયો હોય એવું લાગે છે. આ વિષાણુ ફેલાતો ભલે ઝડપથી હોય પણ એની ગંભીરતા ઓછી છે. આને લીધે આ વિષાણુના દરદીઓની હૉસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા વધી નથી અને મૃત્યુ પણ ખાસ નોંધાયા નથી.  લોકોએ માસ્ક પહેરવાનું તો ચાલુ જ રાખવું જોઈએ. માસ્કથી કોરોનાને 53 ટકા દૂર રાખી શકાય છે એવું વૈજ્ઞાનિક ધોરણે પુરવાર થયું છે. રસીનો બુસ્ટર ડૉઝ કામ કરે તો પણ એ હંગામી ઉપાય છે. કોરોનાના નવા-નવા વિષાણુ આવ્યા જ કરશે એટલે દર છ મહિને લોકોને બુસ્ટર ડૉઝ ન આપી શકાય. એટલે આનો ઉપાય માસ્ક જ છે અને રસીનો પણ કોઈ વિકલ્પ નથી. એ ઉપરાંત અમુક પ્રતિબંધો લાદવા પણ જરૂરી છે. કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોને શોધવાનું પણ એકદમ આવશ્યક છે.
Published on: Sat, 04 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer