સાન્તાક્રુઝ, પાર્લા, અંધેરી, ઘાટકોપર અને કુર્લામાં રહેતા નાગરિકોને મળશે રાહત

ઍરપોર્ટના ફનેલ ઝોનની ઇમારતોના રિડેવલપમેન્ટની નીતિ ટૂંક સમયમાં
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 3 : મુંબઈ ઍરપોર્ટના ફનેલ ઝોનમાં આવતી ઈમારતોના રિડેવલપમેન્ટના પ્રશ્ન વહેલી તકે નિકાલ કરાશે અને આ મુદ્દે રાજ્યનું નગર વિકાસ મંત્રાલય રિડેવલપમેન્ટ ધોરણો જાહેર કરશે. 
આ બાબતે શુક્રવારે એક માટિંગ થઈ હતી અને એમાં નગર વિકાસ પ્રધાન એકનાથ શિંદેએ ઉક્ત સૂચના આપી હતી. એકનાથ શિંદેએ વીડિયો મારફતે બેઠકમાં હાજરી આપી હતી. બેઠકમાં પરિવહન પ્રધાન અનિલ પરબ, વિધાનસભ્યો સંજય પોતનિસ, પરાગ આળવણી, મંગેશ કુડાળકર, ભાઈ જગતાપ તથા યુવાસેનાના સચિવ અને વિલેપાર્લેના રહેવાસી વરુણ દેસાઈ, નગર વિકાસ ખાતાના પ્રધાન સચિવ ભૂષણ ગગરાણી, આર્કિટેક્ટ શ્રીકૃષ્ણ શેવડે અને વિલે પાર્લેના રહેવાસી તુષાર શ્રોત્રી અને વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. 
ઍરપોર્ટના ફનેલ ઝોનમાં આવતી ઈમારતોની ઉંચાઈ પર અમુક બંધનો મૂકવામાં આવ્યાં છે. આને લીધે આ વિસ્તારની ઈમારતોનું રિડેવલમેન્ટ અટકી પડ્યું છે. ડેવલપરો પણ પ્રોજેક્ટો ફાયદેમંદ ન હોવાથી ત્યાંથી ખસી ગયા છે. 
ઘાટકોપર, કુર્લા, સાંતાક્રુઝ, અંધેરી, વિલે પાર્લે ખાતેની અનેક ઈમારતોમાં વસતા 15થી 20 લાખ લોકો પર આ ફનેલ ઝોનની અસર પડી છે. આમાંની અમુક ઈમારતો તો 60થી 70 વર્ષ જૂની પડુંપડું થઈ રહી છે.  લોકો જીવનાં જોખમે એમાં વસી રહ્યા છે. 
આ ઈમારતોના રિડેવલપમેન્ટનો પ્રશ્ન ઉકેલવા શુક્રવારે આ માટિંગ થઈ હતી. અસરગ્રસ્ત ઈમારતોને અધિકૃત બિલ્ટ-અપ એરિયા પ્રમાણે ટીડીઆર આપવાની અને પાલિકાના રેકોર્ડમાં છે એટલા એરિયાના ફ્લૅટ બનાવવાની મંજૂરી આપવાની માગણી માટિંગમાં કરવામાં આવી હતી. જો આ શક્ય ન હોય તો ઉપલબ્ધ ટીડીઆર અપાય તો ડેવલપરોને એ પોસાશે એવું પણ બેઠકમાં જણાવાયું હતું. ફનેલ ઝોન બહારની ઈમારતોને મળતા ફાયદા અસરગ્રસ્ત ઈમારતોને આપવામાં આવે તો રિડેવલમેન્ટ શક્ય બની શકે છે એવી પણ માગણી બેઠકમાં કરાઈ હતી. પ્રધાન એકનાથ શિંદેએ રિડેવલપમેન્ટ ધોરણોમાં સુસૂત્રતા રહે એ માટે નગર વિકાસ અને પાલિકાના અધિકારીઓએ સંયુક્ત બેઠક કરવાની પણ સૂચના આપી હતી. 
નગર વિકાસ મંત્રાલયના પ્રધાન સચિવ ભૂષણ ગગરાણીએ કહ્યું હતું કે આ ફનેલ ઝોનના રિડેવલપમેન્ટ મુદ્દે પાલિકાએ એક વિગતવાર રિપોર્ટ નગર વિકાસ ખાતાને આપ્યો છે અને એમાં રિડેવલપમેન્ટ માટે બે કે ત્રણ વિકલ્પ સૂચવવામાં આવ્યા છે. અસરગ્રસ્ત ઈમારતોને 33 (7) હેઠળ થતાં રિડેવલપમેન્ટના ફાયદા કેમ આપી શકાય એનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. 
Published on: Sat, 04 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer