વૉટ્સઍપ દ્વારા ઉબર કૅબ બુક કરી શકાશે

નવી દિલ્હી, તા. 3 : હવે વૉટ્સઍપ દ્વારા પણ ઉબર કૅબ બૂક કરી શકાશે.  ઉબર અને વૉટ્સઍપએ ભારતમાં એક નવી ભાગીદારીની જાહેરાત કરી છે. આ એકીકરણને લીધે ગ્રાહકોને હવે ઉબર ઍપ ડાઉનલૉડ કરવાની કે ઉબર ઍપનો ઉપયોગ કરવાની જરૂર નહીં રહે. યુઝર રજિસ્ટ્રેશનથી માંડીને કૅબ બૂક કરવી અને ટ્રીપની રસીદ મેળવવી વગેરે તમામ પ્રક્રિયા વૉટ્સઍપ ચેટ ઈન્ટરફેસમાં થઈ શકશે. 
વૈશ્વિક સ્તરે ઉબરની આ પ્રથમ પહેલને લીધે કૅબ બૂક કરવાનું વૉટ્સઍપ મેસેજ મોકલવા જેટલું સહેલું બની જશે.  આ સુવિધા સૌથી પહેલાં લખનઉમાં શરૂ કરવામાં આવશે અને બાદમાં ભારતના અન્ય શહેરોમાં શરૂ કરવામાં આવશે.
વૉટ્સઍપ યુઝર્સ ત્રણ સરળ રીતે ઉબર રાઈડ બૂક કરી શકશે. ઉબરના બિઝનેસ એકાઉન્ટ નંબર પર મેસેજ કરીને, ક્યુઆર કોડ સ્કેન કરીને અથવા ઉબર વૉટ્સઍપ ચેટ ખોલવા માટેની લિન્ક પર ડાયરેક્ટ ક્લિક કરીને રાઈડ બૂક કરી શકાશે.  ત્યારબાદ તેમને પિક-અપ અને ડ્રોપ અૉફ એડ્રેસ પૂછવામાં આવશે. એ પછી યુઝરને ભાડાની માહિતી અને ડાઈવરના આવવાનો સમય જણાવવામાં આવશે.
ઉબરના સિનિયર ડિરેક્ટર (બિઝનેસ ડેવલપમેન્ટ) નંદિની મહેશ્વરીએ જણાવ્યું હતું કે અમે તમામ ભારતીયો માટે ઉબર યાત્રા કરવાનું શક્ય હોય એટલું સરળ કરવા માગીએ છીએ અને એમ કરવા માટે તેઓ જે માધ્યમ સાથે સહજ હોય એની સાથે જોડાવાની જરૂર હતી. વૉટ્સઍપ સાથેની અમારી ભાગીદારીથી એ શક્ય બન્યું છે.
Published on: Sat, 04 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer