ઓમિક્રોનના પડકારને પહોંચી વળવા તૈયારી : માંડવિયા

આરોગ્ય પ્રધાને કહ્યું, બુસ્ટર ડૉઝ માટે નિષ્ણાત ગ્રુપ સાથે ચર્ચા કરાશે
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 3 : લોકસભામાં આરોગ્ય પ્રધાન માંડવિયાએ કહ્યું કે, સ્વાસ્થ્ય અંગેની મૂળભૂત સુવિધા પ્રત્યે ધ્યાન ન આપનાર આગલી સરકારોને દોષ આપવાને બદલે નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર એને મજબૂત કરવાનું કામ કરી રહી છે. છેલ્લાં બે વરસમાં વડા પ્રધાનના નેતૃત્વમાં લેવાયેલા નિર્ણયોથી ખ્યાલ આવે છે કે આ સરકાર ઇચ્છાશક્તિથી કામ કરે છે ન કે તાકાતથી.
રસી અને રિસર્ચ અંગે જણાવતાં પ્રધાને કહ્યું કે, એક સમય હતો કે કોઈ વૅક્સિનની શોધ માટે મંજૂરી આપવામાં જ ત્રણેક વરસ લાગતા. એટલે કોઈ રિસર્ચ કરી શકતું નહોતું. અમે એ નિયમો રદ કર્યા અને એક વરસની અંદર દેશને વૅક્સિન મળી ગઈ, આ સુવિધા વડા પ્રધાને આપી છે.
આરોગ્ય પ્રધાન ડૉ. મનસુખ માંડવિયાએ એમ પણ જણાવ્યું કે, કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનના પડકારને પહોંચી વળવા અનેક સાવચેતીનાં પગલાં લેવાયાં છે. તેમણે લોકસભામાં તેમના નેવું મિનિટના જવાબમાં કોવિડ મહામારી અંગેની ચર્ચા દરમિયાન જણાવ્યું કે, બેંગલુરુમાં ઓમિક્રોનના બે કેસ હોવાની જાણકારી મળી છે અને બંને કેસમાં સંપર્કમાં આવેલાઓને ઓળખી કઢાયા છે. જેમાંથી એક દક્ષિણ આફ્રિકાનો યાત્રી છે તો બીજો સ્થાનિક છે. તેમના લેવાયેલા નમૂનાના ટેસ્ટમાં તેઓ પોઝિટિવ હોવાનું જણાયું છે. તેમણે જણાવ્યું કે 25 નવેમ્બર સુધીમાં 25 દેશોમાં નવા સ્ટ્રેનની જાણકારી મળી છે.
કોવિડ વિરુદ્ધ બુસ્ટર ડૉઝ આપવા અંગેના પ્રશ્નના જવાબમાં પ્રધાને જણાવ્યું કે, આ અંગે નિર્ણય લેવા અગાઉ નિષ્ણાતોના ગ્રુપની સાથે વૈજ્ઞાનિકોની સલાહને પણ ધ્યાનમાં લેવામાં આવશે.
માંડવિયાએ કહ્યું કે, દેશના પ્રત્યેક જિલ્લામાં 115 પ્રકારનાં પરીક્ષણો થઈ શકે એવા આધુનિક ઉપકરણોની સુવિધાની સાથે અન્ય બીમારીની સાથે મહામારીની સારવાર માટે 50 બેડની સુવિધા ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે લગભગ સો કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટેના કામની શરૂઆત થઈ છે.
આરોગ્ય પ્રધાને કહ્યું કે, દેશ-વિદેશમાં રહેતા ભારતીયો 21 અૉક્ટોબરે દેશમાં સો કરોડ લોકોને રસી આપવાની સિદ્ધિ હાંસલ કરી એના પર ગર્વ અનુભવી રહ્યા છે.  તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 125 કરોડ ડૉઝ અપાઈ ચૂક્યા છે. રસી માટે યોગ્યતા પ્રાપ્ત વયજૂથના 85 ટકા લોકોને ઓછામાં ઓછો એક ડૉઝ અપાઈ ચૂક્યો છે. જ્યારે 56 ટકા નાગરિકોએ બંને ડૉઝ લીધા છે. એ સાથે તેમણે ઉમેર્યું કે હજુ બાવીસ કરોડ ડૉઝ શિલ્લક છે.
મહામારી વિરુદ્ધ અથાક લડત આપનારા તમામ પ્રકારના સ્વાસ્થ્ય કાર્યકર્તાઓની ભૂમિકાના વખાણ કરતા પ્રધાને કોવિન અને ઈ-સંજીવની જેવા મજબૂત પ્લૅટફૉર્મ ડેવલપ કરવા માટે પ્રશંસા કરી હતી.
પીએમ-કેર્સનો ઉપયોગ કરી પૂરાં પડાયેલાં ઉપકરણો ખામીયુક્ત હોવાની ટીકાનો જવાબ આપતાં પ્રધાને કહ્યું કે, આ એક રાજનીતિથી પ્રેરિત આક્ષેપ છે. રાજ્ય સરકારોએ 70 ટકાથી વધુ વેન્ટિલેટરને સર્ટિફિકેટ આપ્યાં હોવાથી એનો ઉપયોગ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે પ્રમાણપત્ર વગર સાધનો પૂરાં પાડનારાઓને બિલની ચૂકવણી થતી નથી. એ સાથે તેમણે કહ્યું કે ઉપકરણોનો ઉપયોગ કરનારા કર્મચારીઓને યોગ્ય પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું.
Published on: Sat, 04 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer