ખેડૂતો અંગે ટિપ્પણી : પંજાબમાં દેખાવકારોએ કંગનાની કાર અટકાવી

મુંબઈ, તા. 3 (પીટીઆઈ) : કેન્દ્ર સરકારના કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો વિશેની કથિત ટીપ્પણ બદલ નારાજ ખેડૂતોએ આજે પંજાબમાં રૂપનગર જિલ્લામાં કિરાતપુર સાહિબ ખાતે અભિનેત્રી કંગના રાણાવતની કાર અટકાવી હતી અને તે માફી માગે એવી માગણી કરી હતી. પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર વીડિયો મેસેજ દ્વારા કંગનાએ જણાવ્યું હતું કે હિમાચલ પ્રદેશથી ચંડીગઢ વિમાનીમથક જઈ રહી હતી ત્યારે કિરાતપુર સાહિબ પાસે બંગા સાહિબ ગુરુદ્વારા ખાતે ખેડૂતોના ટોળાએ તેની કાર અટકાવી હતી. તેની કાર અડધો કલાક સુધી અટકાવી રાખવામાં આવી હતી. કંગનાએ ત્યાં મહિલા દેખાવકારો સાથે વાત કરી હતી. દેખાવકારો એ મારુ અપમાન કર્યું હતું અને મારી નાખવાની ધમકી સુદ્ધાં આપી હતી. જો પોલીસ ન હોત તો આંદોલનકારીઓએ મને રહેસી નાખી હોત. મારા નામે રમવામાં આવતા રાજકારણનું પરિણામ છે, એમ કંગનાએ ઉમેર્યું હતું.
મેં પંજાબમાં અભ્યાસ કર્યો છે તેથી તમે મારા માતા સમાન છો એમ કંગના એક મહિલા દેખાવકારને કહેતી સાંભળવા મળી હતી.
રૂપનગરથી આવેલી પોલીસ ટુકડીએ દેખાવકારોને સમજાવીને વિખેર્યા હતા.
Published on: Sat, 04 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer