હેલ્મેટ નહીં પહેરનાર ત્રણ માસ માટે લાઈસન્સ માટે ગેરલાયક ઠરશે

વધુપડતી ઝડપથી કાર હંકારવા બદલ રૂા. 2000 દંડ થશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 3 : મહારાષ્ટ્ર સરકારે ગુરુવારે મોટર વેહિકલ (સુધારા) ધારા હેઠળ એક નોટિફિકેશન બહાર પાડયું હતું, જેમાં ટ્રાફિકના નિયમોના ભંગ માટેની દંડની રકમ વધારવામાં આવી હતી. માર્ગ સુરક્ષા, અકસ્માતોમાં થતાં મરણની સંખ્યા ઘટાડવા અને વાહન વહેવારને લગતી વધુ સારા શિસ્તનું પાલન કરાવવાના હેતુથી દંડની આ રકમ વધારવામાં આવી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. જોકે, અંગત સુરક્ષાને લગતા હેલ્મેટ અને સીટ બેલ્ટ નહીં પહેરવા બદલ દંડની રકમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હાલ હેલ્મેટ નહીં પહેરવા માટે રૂપિયા 500 અને સીટ બેલ્ટ નહીં પહેરવા માટે રૂપિયા 200નો દંડ કરવામાં આવે છે. જોકે, હેલ્મેટની બબાતમાં આ વટહુકમમાં એવું જણાવવામાં આવ્યું છે કે, હેલ્મેટ નહીં પહેરનાર ચાલક ત્રણ મહિના માટે લાઇસન્સ ધરાવવા ગેરલાયક ગણાશે.
નિર્ધારિત ઝડપ કરતાં વધુ ઝડપથી કાર ચલાવવા માટે દંડની રકમ રૂપિયા એક હજારમાંથી વધારીને રૂપિયા 2000 કરવામાં આવી છે.
અન્ય વાહનો માટે ઝડપની બાબતમાં સંયુક્ત ફી વધારીને રૂપિયા 4000 કરવામાં આવી છે. ખતરનાક રીતે વાહન ચલાવવા બદલ દ્વિચક્રી વાહનની બાબતમાં દંડની રકમ રૂપિયા 1000 અને કારની બાબતમાં દંડની રકમ રૂપિયા 2000 કરવામાં આવી છે. ત્રણ વર્ષની અંદર જો આવો ગુનો બીજીવાર કરવામાં આવે તો રૂપિયા 10 હજારનું દંડ ફટકારવામાં આવશે. લાઇસન્સ વગર જો સગીર વાહન ચલાવતા હશે તો વાહનના માલિકને કે વાહનનો ચાર્જ ધરાવનાર કોઈ પણ વ્યક્તિને રૂપિયા 5ાંચ હજારનો દંડ કરવામાં આવશે, એમ આ વટહુકમમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું. અગાઉ આ દંડ રૂપિયા 500નો હતો. ટુ વ્હીલરમાં જો ત્રણ જણ બેઠા હશે તો રૂપિયા 1000નો દંડ કરવામાં આવશે. અન્ય ચાલક લાઇસન્સ ધરાવવા ત્રણ મહિના માટે ગેરલાયક ઠરશે.
રાજ્યના પરિવહન કમિશનર અવિનાશ ધાકને એ જણાવ્યું હતું કે, મુંબઈમાં પાર્કિંગની ગંભીર સમસ્યા છે અને ગેરકાયદે પાર્કિંગ માટેનો દંડ રૂપિયા 200માંથી વધારીને રૂપિયા 500 કરવામાં આવ્યો છે. ધ્વનિ અને વાયુ પ્રદૂષણ કરવા બદલ રૂપિયા 500ને બદલે રૂપિયા 1000નો દંડ ભરવો પડશે.
`લોકો ટ્રાફિકનું પાલન કરીને આવા દંડથી બચે એવું અમે ઇચ્છીએ છીએ', આ એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
મુંબઈ ટ્રાફિક પોલીસના વરિષ્ઠ આઈપીએસ અધિકારીએ જણાવ્યું હતું કે, દંડની સુધારાયેલી રકમને લગતું વટહુકમ બહાર પાડવામાં આવ્યું છે અને અમે ટૂંકમાં તેનો અમલ શરૂ કરશું.
Published on: Sat, 04 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer