મુંબઈમાં રૂા. 6768 કરોડના લક્ષ્ય સામે રૂા. 2287 કરોડ જેટલો પ્રૉપર્ટી ટૅક્સ વસૂલ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 3 : કોરોનાને લીધે લાગુ થયેલા કઠોર પ્રતિબંધને લીધે કથળેલી આર્થિક પરિસ્થિતિ અને આરોગ્ય વ્યવસ્થા પર કરવા પડેલા તોતિંગ ખર્ચને લીધે મુંબઈ પાલિકા સમક્ષ આર્થિક પડકાર ઊભો થયો છે. જોકે, પ્રતિબંધો હળવા કરાયા બાદ પાલિકાના કર આકારણી સંકલન વિભાગે પ્રોપર્ટી ટૅક્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને ચાલુ નાણાકીય વર્ષના પહેલી એપ્રિલથી 30 નવેમ્બર સુધીના પ્રથમ છ મહિનામાં કરદાતાઓ પાસેથી કુલ 2,287.29 કરોડ રૂપિયા વસૂલ કરવામાં સફળતા મળી છે. 
ગય વર્ષના પ્રથમ છ માસિકની સરખામણીમાં આ વખતે કરવસૂલાતમાં લગભગ 322.40 ટકાનો વધારો થયો છે. જોકે, બાકીના છ મહિનામાં 4,712.71 કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટૅક્સ વસૂલ કરવાનો પડકાર પાલિકા સામે છે. 
વર્તમાનમાં પ્રોપર્ટી ટૅક્સ પાલિકાની આવકનો મોટો સ્રોત બન્યો છે. ગત નાણાકીય વર્ષ (2020-21)માં  કોરોનાને લીધે કરની વસૂલાતમાં મોટો ઘટાડો થયો હતો. એ વર્ષે 6768.58 કરોડ રૂપિયાની આવક થશે એવો અંદાજ વ્યક્ત કરાયો હતો, પરંતુ કોરોનાને લીધે ઉદ્ભવેલી આર્થિક પરિસ્થિતિ ધ્યાનમાં લઈને પ્રોપર્ટી ટૅક્સ તરીકે મળનારી આવક 4500 કરોડ રૂપિયા જેટલી સુધારિત કરવામાં આવી હતી. જોકે, એ પણ સાકાર કરવાનું મુશ્કેલ હતું.
કોરોનાના પહેલા તબક્કામાં કર આકારણી સંકલન વિભાગના કર્મચારીઓને કોરોના સંબંધિત કામ માટે મોકલવામાં આવ્યા હતા. આથી પ્રોપર્ટી ટૅક્સના કામ પર એની અસર થઈ હતી. જોકે, કોરોનાનો પહેલો તબક્કો ઓસરતાં જ કર્મચારીઓને આ કામમાંથી મુક્ત કરીને ટૅક્સ વસૂલાતની જવાબદારી સોંપવામાં આવી હતી. 
આ વર્ષમાં લગભગ 7,000 કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટૅક્સ વસૂલ કરવાનું પાલિકાનું લક્ષ્ય છે અને એમાંથી છ મહિનામાં 2,287.29 કરોડ રૂપિયાનો ટૅક્સ વસૂલ કરવામાં સફળતા મળી છે. ગયા વર્ષના પહેલા છ મહિનાની  સરખામણીમાં આ વખતે 1,745.79 કરોડ રૂપિયાનો વધુ ટૅક્સ વસૂલ કરાયો છે. ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન ફક્ત 541.50 કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટૅક્સ પાલિકાની તિજોરીમાં જમા થયો હતો. 
પ્રોપર્ટી ટૅક્સ તરીકે પશ્ચિમ ઉપનગરમાંથી સૌથી વધુ એટલે કે લગભગ 1,108.70 કરોડ રૂપિયા, શહેર વિસ્તારમાંથી 672.19 કરોડ રૂપિયા અને પૂર્વ ઉપનગરમાંથી લગભગ 505.13 કરોડ રૂપિયા પાલિકાની તિજોરીમાં જમા થયા છે.
Published on: Sat, 04 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer